મોસ્કો, મિસાઈલનો રાજા કહેવાતો દેશ ઉત્તર કોરિયા હવે રશિયાને યુદ્ધમાં સૈન્ય મદદ કરશે. ઉત્તર કોરિયા પાસે એકથી એક ખતરનાક પરમાણુ મિસાઇલો અને બહેરાશના શસ્ત્રો છે, જે આંખના પલકારામાં યુક્રેનમાં તબાહી મચાવી શકે છે. સૈન્ય સહયોગના મુદ્દે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન અને રશિયાના રક્ષા મંત્રી સર્ગેઈ શોઈગુની મુલાકાત બાદથી યુક્રેનથી લઈને યુરોપ અને પશ્ર્ચિમી દેશોમાં હલચલ મચી ગઈ છે. અમેરિકા ઉત્તર કોરિયાને સૈન્ય સહયોગના રૂપમાં આપવામાં આવતી દરેક મદદ પર નજર રાખી રહ્યું છે.
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને સૈન્ય મુદ્દાઓ અને ક્ષેત્રીય સુરક્ષા વાતાવરણ પર ચર્ચા કરવા માટે રશિયન સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઇગુ સાથે મુલાકાત કરી. રાજ્ય મીડિયાએ ગુરુવારે અહેવાલ આપ્યો કે દેશ ૧૯૫૦-૫૩ના યુદ્ધવિરામની ૭૦મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. ઉત્તર કોરિયાની સત્તાવાર સમાચાર એજન્સી કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે કિમ અને શોઇગુ રાજધાની પ્યોંગયાંગમાં મળ્યા હતા. આ દરમિયાન, બંને નેતાઓ ‘રાષ્ટ્રીય સંરક્ષણ અને પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા વાતાવરણ સંબંધિત પરસ્પર ચિંતાના મુદ્દાઓ’ પર સંમત થયા હતા. જો કે, બંને વચ્ચે શું ચર્ચા થઈ તે રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.
કિમ જોંગ ઉન પણ રશિયન સંરક્ષણ પ્રધાન શોઇગુને શસ્ત્ર પ્રદર્શનમાં લઈ ગયા હતા જ્યાં ઉત્તર કોરિયાના કેટલાક નવા શસ્ત્રો પ્રદર્શનમાં હતા. કિમે શોઇગુને દેશની સૈન્ય ક્ષમતાઓને વિસ્તૃત કરવાની રાષ્ટ્રીય યોજનાઓ વિશે માહિતી આપી. આ દરમિયાન સર્ગેઈએ ઉત્તર કોરિયાના અત્યાધુનિક અને ખતરનાક હથિયારોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. રશિયાના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બુધવારના રોજ, શોઇગુએ “બંને દેશોના સંરક્ષણ વિભાગો વચ્ચે સહકારને મજબૂત બનાવવા” ના ઉદ્દેશ્ય સાથે ઉત્તર કોરિયાના સંરક્ષણ પ્રધાન કાંગ સુન નામ સાથે પણ વાતચીત કરી હતી.