ઉત્તર ગુજરાતની ૩૨ વિધાનસભા બેઠકો પર ભાજપ જીતશે કે કોંગ્રેસ કે પછી આપનું ઝાડુ ફરશે

  • ઉત્તર ગુજરાતનાં સમીકરણો નક્કી ભાવિ નક્કી કરશે, અગ્નિપરીક્ષા જેવી ૫ બેઠકો પર ‘કિંગ’ કોણ?

મહેસાણા,

ઉત્તર ગુજરાતની ૩૨ વિધાનસભા બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર હતી. એમાં પણ પાંચ બેઠકો પર તો જંગ પક્ષથી વધારે ચહેરાઓ વચ્ચે હતો. આ બેઠકોમાં થરાદ, વડગામ, વિરમગામ, ગાંધીનગર દક્ષિણ અને વીસનગરનો સમાવેશ થાય છે. તમામ બેઠકો પર મતદાન ઓછું થયું છે, જો કે પાંચ ચહેરાઓ પર સૌની નજર છે.

સૌથી પહેલા જો થરાદ બેઠકની વાત કરીએ તો અહીં ભાજપ તરફથી શંકર ચૌધરી મેદાનમાં છે. ભાજપ માટે પોતાનો ગઢ એવી થરાદ બેઠક પરત મેળવવાનો પડકાર છે તો શંકર ચૌધરી માટે રાજકીય કારકિર્દીનો સવાલ છે. થરાદ બેઠક પર આ વખતે મતદાનમાં ઘટાડો થયો છે, પણ આ ઘટાડો નજીવો છે. સાથે જ સમગ્ર રાજ્યમાં થયેલા ઓછા વોટિંગ સામે અહીંનો આંકડો ઘણો મોટો છે. થરાદમાં છેલ્લી ત્રણ ચૂંટણીની વોટિંગ પેટર્ન જોતાં એક વાત સ્પષ્ટ થાય છે કે ઓછા વોટિંગથી કોંગ્રેસને ફાયદો થયો છે. ૨૦૧૭માં ૮૬.૧૫ ટકા મતદાન વચ્ચે ભાજપના પરબત પટેલ જીત્યા હતા. તો ૨૦૧૯ની પેટાચૂંટણીમાં ૬૮.૯૪ ટકા મતદાન વચ્ચે કોંગ્રેસના ગુલાબસિંહ જીત્યા હતા. ઓછા મતદાન વચ્ચે પણ ગુલાબસિંહના વોટશેરમાં ૧૦ ટકાનો વધારો નોંઘાયો હતો. આ વખતે થરાદ બેઠક પર ૮૫.૦૨ ટકા મતદાન નોંધાયું છે. ત્યારે અગાઉના સમીકરણો જળવાય છે કે પછી નવા સમીકરણ રચાય છે, તેના પર સૌની નજર છે. જો કે શંકર ચૌધરીને જીતનો વિશ્ર્વાસ છે.

તો આ તરફ બનાસકાંઠાની વડગામ બેઠકના પરિણામો પર પણ સૌની નજર છે. અહીં કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સૌથી મોટો ચહેરો છે. ૨૦૧૨ અને ૨૦૧૭માં વડગામમાં ૭૨ ટકા મતદાન થયું હતું, ૨૦૧૨માં અહીં ભાજપ જીત્યું હતું, તો ૨૦૧૭માં મેવાણી અપક્ષ જીત્યા હતા. આ વખતે વડગામમાં મતદાન ઘટીને ૬૬.૨૧ ટકા થયું છે, ત્યારે ઘટેલું મતદાન કોની તરફેણમાં રહે છે, તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.

ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર માટે આ ચૂંટણી તેમના રાજકીય ભાવિનો સવાલ હતી. અલ્પેશ ઠાકોર રાધનપુરથી લડવા માગતા હતા, જો કે તેમની ઈચ્છા પૂરી ન થઈ. ઠાકોર અને પાટીદાર મતદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર ૨૦૧૨માં ૭૩.૪૫ ટકા અને ૨૦૧૭માં ૭૦.૭૩ ટકા મતદાન થયું હતું. બંને વખત આ બેઠક ભાજપને ફાળે આવી. જો કે આ વખત અહીં મતદાન ઘટીને ૬૨.૨ ટકા થયું છે. મતદાનમાં ઘટાડો કોંગ્રેસને ફળે છે કે ભાજપને એ મોટો સવાલ છે. જો કે એ વાત નક્કી છે કે અલ્પેશ ઠાકોર જીતશે તો તેમની રાજકીય કારકિર્દી બચી જશે.

હવે આવીએ અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠક પર. જ્યાં હાર્દિક પટેલની અગ્નિપરીક્ષા છે. હાદક પટેલે પોતાના વતનમાંથી ચૂંટણી ભલે લડી, પણ તેમની સામે પડકારો ઘણા હતા. ૨૦૧૨ અને ૨૦૧૭માં વિરમગામમાં ૬૮ ટકા મતદાન થયું છે, બંને વખત જીત કોંગ્રેસની થઈ છે. જો કે આ વખતે મતદાન ઘટીને ૬૩.૯૫ ટકા રહી ગયું છે. અહીં એ પણ નોંધવું જરૂરી છે કે ૨૦૧૨ની સરખામણીમાં ૨૦૧૭માં કોંગ્રસની લીડમાં ૬૫ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. કોંગ્રેસની ઘટતી લીડ અને ઓછા મતદાન વચ્ચે ભાજપના હાર્દિક પટેલની પરીક્ષા છે.

મહેસાણાની વીસનગર બેઠક પર ભાજપના ઉમેદવાર અને વર્તમાન મંત્રી ૠષિકેશ પટેલનું ભાવિ દાવ પર છે. ૨૦૧૭માં અહીં ૭૪.૭૫ ટકા મતદાન થયું હતું, જે આ વખતે ઘટીને ૬૯ ટકા થયું છે. ૨૦૧૨માં ૠષિકેશ પટેલ કોંગ્રેસના ઉમેદવાર સામે ૨,૮૬૯ મતોની પાતળી સરસાઈથી જીત્યા હતા. ત્યારે આ વખતનું ઓછું મતદાન નવા સમીકરણો રચે છે કે કેમ તેના પર સૌની નજર છે.