ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ : દાંતામાં ૨ કલાકમાં ૩.૫ ઈંચ વરસાદ

રાજ્યમાં વહેલી સવારથી મેઘરાજાની બેટિંગ જોવા મળી છે. રાજ્યના કુલ ૨૮ તાલુકામાં વહેલી સવારથી વરસાદ થયો છે. બનાસકાંઠાના દાંતામાં ૨ કલાકમાં જ ૩.૫ ઈંચ વરસાદ ખાબક્યો છે. તો મહેસાણાના સતલાસણામાં ૧ ઈંચ વરસાદ વરસ્યો. સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને વડાલીમાં પણ ૧ ઈંચ વરસાદ નોંધાયો. નર્મદાના ગરૂડેશ્ર્વર, નાંદોદ અને તિલકવાડામાં પણ વરસાદ છે. ભરૂચના અલગ અલગ તાલુકામાં નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો.

સાબરકાંઠામાં ગત રાત્રીએ વરસેલા વરસાદને લઈ નેશનલ હાઇવે પર પાણી ભરાયા છે. હિંમતનગર શહેરમાંથી પસાર થતા અમદાવાદ ઉદેયપુર નેશનલ હાઇવે પર પાણી ભરાયા છે. સહકારીજીન ચાર રસ્તા પર પાણી ભરાવાને લઇ વાહનચાલકો પરેશાન થયા છે. નેશનલ હાઇવેના નવીનીકરણને લઈ સમસ્યા સર્જાઈ છે. ઓવરબ્રિજનું કામ ખોરંભે પડ્યું હોવાને લઈ પાણીના નિકાલનો અભાવ જોવા મળ્યો. પાણી નિકલના અભાવે વાહનચાલકો પરેશાન થયા છે.દાંતાની સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસ્યાં હતાંમહેસાણાના કડીમાં મેઘરાજાની તોફાની બેટિંગ કરી હતી ભારે વરસાદથી કડી શહેર પાણી પાણી થયું હતું કડીમાં સોસાયટીઓમાં અને રહેણાક મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી ગઈ. અને અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતાં

બીજા તાલુકાઓની વાત કરીએ તો સતલાસણા સવા ઈંચ અને ખેડબ્રહ્મા અને વડાલીમાં ૧ ઈંચ વરસાદ નોંધાયો તો જગડિયામાં પોણો ઈંચ જ્યારે વિજયનગર, નાંદોદ અને ગરૂડેશ્ર્વરમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.

ભરૂચનાં હાંસોટ, નેત્રંગ અને જોટાણામાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ પ્રાંતિજ અને ભીલોડામાં પણ પોણા બે ઈંચ વરસાદ, વિજાપુર, માણસા, હિંમતનગરમાં દોઢ ઈંચ વરસાદ જ્યારે ૬ તાલુકામાં એક ઈંચ વરસાદ પડ્યો હતો.

ગુજરાતમાં મેઘ રાજાની પધરામણી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. હવામાન વિભાગે આગામી ૪૮ કલાક વરસાદી વાતાવરણની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતનાં સુરત, નવસારી, વલસાડ ,દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતા છે. તેમજ આખા ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.