મહેસાણા, ઉત્તરગુજરાતમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. સાબરકાંઠા જિલ્લાના તલોદ અને પ્રાંતિજ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તલોદ વિસ્તારમાં પોણા પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. દિવસે હળવા અને ભારે ઝાપટા વરસ્યા બાદ મોડી સાંજ બાદ વરસાદી માહોલ જામ્યો હતો. વહેલી સવાર લગી તલોદ, પ્રાંતિજ અને તેની આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વિસ્તારમાં વરસાદ વરસવાને લઈ રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. નિચાણ વાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા હતા. તલોદ અને પ્રાંતિજ વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી ચોમાસાનો માહોલ જામ્યો છે. રવિવારે સવારના અરસા દરમિયાન પણ પ્રાંતિજ અને તલોદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસાદ વરસ્યો હતો.
ધોધમાર વરસાદને લઈ તલોદ અને પ્રાંતિજ શહેરમાં અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. તલોદના માર્કેટ યાર્ડ વિસ્તાર અને બસ સ્ટેશન વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. વિસ્તારમાં વરસાદી પાણી રસ્તાઓ પર ભરાઈ જવાને લઈ સ્થાનિકો પરેશાન થયા હતા. પ્રાંતિજ શહેરના ભાંખરિયા વિસ્તાર, શાસ્ત્રી બજાર, બજાર રોડ, સ્ટેશન રોડ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભાંખરિયા વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની વર્ષો જૂની સમસ્યાથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સોમવારે સવારે પણ ધોધમાર વરસાદ અનેક વિસ્તારમાં નોંધાયો હતો. વહેલી સવારથી જ ગાજવીજ સાથે હિંમતનગર શહેરમાં વરસાદ વરસવો શરુ થયો હતો. હિંમતનગર શહેરમાં પણ ટાવર ચોક વિસ્તાર અને મહાવિરનગરના કાંકણોલ રોડ તરફ જવાના માર્ગ પર અનેક ઠેકાણે પાણી ભરાયા હતા. કાંકણોલ, હડિયોલ, ગઢોડા, ગાંભોઈ, હાથરોલ, બાવસર, ઢૂંઢર, આગિયોલ, બેરણાં સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. પ્રાંતિજ અને તલોદના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો.સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસેલ વરસાદના આંકડો જોઇએ તો તલોદ ૧૧૯ મીમી,પ્રાંતિજ ૭૪ મીમી,વિજયનગર ૩૩ મીમી,પોશિના ૨૬ મીમી,ખેડબ્રહ્મા ૨૧ મીમી,વડાલી ૨૧ મીમી,હિંમતનગર ૧૪ મીમી વરસાદ થયો છે.
બનાસકાંઠાના અંબાજીમાં ભારે વરસાદથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે, અંબાજીની બજાર સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી પડી રહી છે. વરસાદના કારણે પાણી ભરાતા બજારો પણ મોડી ખુલી હતી. બનાસકાંઠાના પાલનપુર, ધાનેરા, ભાભર સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. પાલનપુરમાં ૩ કલાકમાં ધોધમાર ૨ ઈંચ વરસાદ ખાબક્તાં ગઠામણ પાટિયા નજીક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. શહેરથી ૨૦ ગામોને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે.
બનાસકાંઠાના ડીસા તાલુકાના વિઠોદર ગામમાં ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે નદીઓ અને રસ્તાઓ પર પૂરની સ્થિતિ જોવા મળી રહી છે.ભારે વરસાદને કારણે નદીઓ અને રસ્તાઓ પર પૂરની સ્થિતિ જોવા મળી રહી છે.નદી બે કાંઠે થઈને વહેતી જોવા મળી હતી. પાણીના અતિભારે પ્રવાહને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નદીની વચ્ચે આવેલો રસ્તો પણ ડૂબી ગયો હતો, જેના કારણે લોકોને એક ગામમાંથી બીજા ગામમાં જવા માટે પણ મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.