ઉત્તર ભારતમાં ગરમીએ હાહાકાર બોલાવ્યો, દિલ્હીનું નજફગઢ ૪૮ ડિગ્રી સાથે સૌથી ગરમ

  • હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત અને મધ્ય પ્રદેશના અનેક ભાગોમાં હીટવેવની સ્થિતિ

દેશમાં એકબાજુ લોકસભા ચૂંટણીના કારણે રાજકીય વાતાવરણ ગરમ છે તેવામાં હવામાનની દૃષ્ટિએ પણ ઉત્તર ભારત અગનવર્ષાની ઝપેટમાં આવ્યું છે. રાજધાની દિલ્હીમાં રવિવારે સરેરાશ મહત્તમ તાપમાન ૪૪.૪ ડિગ્રી સે. સુધી પહોંચી ગયું હતું, જે આ સિઝનનું અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે. જોકે, દિલ્હીનું નજફગઢ સરેરાશ ૪૮ ડિગ્રી તાપમાન સાથે રવિવારે દેશનું સૌથી ગરમ સ્થળ રહ્યું હતું. રાજસ્થાનમાંથી આવી રહેલા ગરમ પવનોએ દિલ્હીમાં તાપમાનમાં વિક્રમી વધારો કર્યો છે. બીજીબાજુ હવામાન વિભાગે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હીટવેવની એલર્ટ જાહેર કરી છે. 

હવામાન વિભાગે હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત અને મધ્ય પ્રદેશના અનેક ભાગોમાં હીટવેવની સ્થિતિ અનુભવાઈ હતી. મેદાની પ્રદેશોમાં ગરમીથી બચી હિમાચલ પ્રદેશના હિલ સ્ટેશનો પર પહોંચેલા લોકોએ પણ આકરી ગરમીનો સામનો કરવો પડયો હતો. અગનવર્ષા કરતી ગરમીના કારણે ગરીબો, મજૂરો તેમજ આઉટડોર કામ કરતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. અંગોને દઝાડતી ગરમીમાં ઓછી આવક ધરાવતા લોકો માટે પાણી અને ઠંડકની ઉપલબ્ધતા મુશ્કેલ બની હતી. 

દિલ્હી સિવાય દેશના અન્ય ભાગોમાં ધર્મશાળામાં ૩૬ ડિગ્રી ઉનામાં ૪૪.૪ ડિગ્રી, બિલાસપુરમાં ૪૨.૪ ડિગ્રી અને કાંગ્રામાં ૪૦ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે દિલ્હી, ચંડીગઢ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન માટે રેડ વોર્નિંગ જાહેર કરી હતી. બીજીબાજુ ઉત્તર પ્રદેશષ બિહાર અને ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાઈ હતી.

ભારતમાં લગભગ આઠ સ્થળો પર તાપમાનનો પારો ૪૭ ડિગ્રીને પાર થઈ ગયો હતો, જેમાં નજફગઢમાં સૌથી વધુ ૪૭.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. નજફગઢ છેલ્લા ત્રણ દિવસમાં બીજી વખત દેશનું સૌથી ગરમ સ્થળ રહ્યું છે. વધુમાં દિલ્હીમાં ૮૦ વર્ષ પછી પહેલી વખત નજફગઢમાં તાપમાન ૪૭ ડિગ્રીને પાર ગયું છે. નવા વિષ્લેષણ મુજબ છેલ્લા ૧૦ વર્ષમાં દિલ્હીમાં આ વખતે ૧૫૫૭ દિવસ સુધી તાપમાન ૪૦ ડિગ્રીથી ઉપર રહ્યું હતું. અત્યંત ગીચતા ધરાવતા દિલ્હીમાં ૨૦૦૪થી ૨૦૧૩ દરમિયાન ૧૨૫૪ દિવસ તાપમાન ૪૦ ડિગ્રી ઉપર રહ્યું હતું જ્યારે ૧૯૯૪-૨૦૦૩ વચ્ચે ૧૧૮૦ દિવસ આ સ્થિતિ નોંધાઈ હતી.

રાજસ્થાનના ગંગાનગરમાં ૪૬.૭ ડિગ્રી, મધ્ય પ્રદેશના દતિઆમાં ૪૭.૫ ડિગ્રી, હરિયાણાના સિરસામાં ૪૭ ડિગ્રી અને નુહમાં ૪૭.૨ ડિગ્રી તથા પંજાબના ભટિન્ડામાં ૪૬.૪ ડિગ્રી, ઉત્તર પ્રદેશના આગ્રામાં ૪૭.૭ ડિગ્રી અને ઝાંસીમાં ૪૭.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે દિલ્હીના અનેક વિસ્તારોમાં લૂ ચાલવા અંગે રેડ એલર્ટ જાહેર કરી હતી. આંશિકરૂપે વાદળ છવાયેલા હોવાથી ૨૫થી ૩૫ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે તિવ્ર પવન ફુંકાતો હતો. હવામાન વિભાગે બાળકો, વૃદ્ધો અને જૂની બીમારી હોય તેવા લોકો સહિત નબળું સ્વાસ્થ્ય ધરાવતા લોકોનું વધુ ધ્યાન રાખવા જણાવ્યું છે. હવામાન વિભાગે ઉમેર્યું કે દરેક વયના લોકોએ આ કાળઝાળ ગરમીમાં હીટ સ્ટ્રોકનો ભોગ બનવું પડી શકે છે. ઉત્તર પ્રદેશમાં ગરમી અને હીટવેવની સ્થિતિને જોતાં શનિવારે શિક્ષણ વિભાગે અનેક સ્કૂલોમાં ૧ મહિનાનું વેકેશન જાહેર કરી દીધું છે. 

દરમિયાન દેશમાં ચોમાસાના આગમન પહેલાં બંગાળની ખાડી પર એક લો પ્રેશરનું ક્ષેત્ર બની રહ્યું છે, જેના પગલે ૨૨ મેની આજુબાજુ બંગાળની દક્ષિણ-પશ્ચિમ ખાડી પર તિવ્ર ચક્રવાત સર્જાવાની આશંકા છે. હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું કે, લો પ્રેશરનું ક્ષેત્ર ચોમાસાને અંદામાન સાગર અને તેની નજીક બંગાળની ખાડીથી ઉપર આગળ વધવામાં મદદ કરશે. જોકે, તેનાથી કેરળમાં ચોમાસાની શરૂઆત પર કોઈ અસર નહીં પડે. દરમિયાન રવિવારે કેરળના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો, જેના પગલે પર્વતીય અને દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકો માટે મુશ્કેલી ઉભી થઈ હતી. વરસાદના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં રાત્રીપ્રવાસ પર પ્રતિબંધ મૂકાયો છે.