- માત્ર એક જ દિવસમાં યુપીમાં ૧૩નાં મોત, હરિયાણાના નાયબ મુખ્યમંત્રીના કાફલાને પણ અકસ્માત નડયો.
- ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસના કારણે માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે.
નવીદિલ્હી,
ધુમ્મસના કારણે અનેક જીવલેણ અકસ્માતો થયા હતા, જેમાં એક ડઝનથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. હરિયાણાના ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલાના કાફલાનું વાહન પણ ધુમ્મસના કારણે અન્ય વાહન સાથે અથડાયું હતું. ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલા બચી ગયા. આ સાથે રાજધાની દિલ્હીને અડીને આવેલા ગ્રેટર નોઈડામાં ગાઢ ધુમ્મસના કારણે એક બસ પલટી ગઈ હતી. આ ઘટના દાનકૌર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગલગોટિયા યુનિવસટીની સામે બની હતી.
ગ્રેટર નોઈડામાં બસની આગળ ચાલતું કન્ટેનર અચાનક બંધ થઈ જવાને કારણે પાછળથી બસ સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં લગભગ ૨૦ લોકો ઘાયલ થયા છે અને એક વ્યક્તિનું મોત થયું છે. બસ ઝાંસી થઈને દિલ્હી જઈ રહી હતી. બસ ગલગોટિયા યુનિવસટીની સામે પહોંચી કે તરત જ તેની સામે ચાલતું કન્ટેનર અચાનક થંભી ગયું. કહેવામાં આવી રહ્યું છે કે, ત્યાં વિઝિબિલિટી ઓછી હોવાને કારણે વાહનોની સ્પીડ બંધ થઈ ગઈ હતી. ત્યારે બસ પાછળથી આવતા કન્ટેનર સાથે અથડાઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે બસ લગભગ ૨૦ ફૂટ નીચે પડી હતી. માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
ઉત્તર ભારતમાં અનેક અકસ્માતો થયા હતા, જેમાં એકલા ઉત્તર પ્રદેશમાં ૧૩ લોકોના મોત થયા હતા. આજે પણ ધુમ્મસના કારણે અનેક જગ્યાએ અકસ્માતો નોંધાયા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સોમવારે ગાઢ ધુમ્મસના કારણે યુપીના ઘણા જિલ્લાઓમાં માર્ગ અકસ્માતો થયા હતા. આ અકસ્માતો દરમિયાન ઔરૈયામાં ત્રણ, કાનપુર દેહાત, અલીગઢ અને મૈનપુરીમાં બે-બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેવી જ રીતે, યુપીના બુલંદશહર, ઉન્નાવ, હાપુડ અને સહારનપુર જિલ્લામાં એક-એક મૃત્યુ થયું છે.
આ અકસ્માતોમાં અનેક લોકો ઘાયલ થયા છે, જેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, યુપીના ઔરૈયા જિલ્લામાં ગાઢ ધુમ્મસના કારણે આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં છથી વધુ વાહનો એકબીજા સાથે અથડાયા હતા. ત્યાં ત્રણ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.