નવી દિલ્હી, ઉત્તર ભારતના રાજયોમાં ઠંડી અને ધુમ્મસનો હુમલો એક સાથે જોવા મળી રહ્યો છે. દેશની રાજધાની નવી દિલ્હી સહિત ઘણા રાજયોમાં ધુમ્મસને કારણે ઝીરો વિઝિબિલિટી નોંધાઈ હતી. તે જ સમયે, ઉત્તર પ્રદેશના મોટાભાગના શહેરોમાં ધુમ્મસના કારણે લોકોને ખાસ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. વધતી ઠંડી વચ્ચે યુપીના ઘણા શહેરોમાં સ્કૂલના બાળકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.ઘણા શહેરોમાં શાળાઓ બંધ કરવામાં આવી છે, જયારે ઘણી જગ્યાએ શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
પર્વતો પર હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. જમ્મુ અને કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી છે. ઠંડા પવન અને ધુમ્મસના ડબલ એટેકને કારણે જનજીવન પર માઠી અસર પડી છે
રાષ્ટ્રીય રાજધાની સહિત સમગ્ર ઉત્તર ભારત ગાઢ ધુમ્મસની લપેટમાં છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને પંજાબ સહિત અનેક રાજયો શીતલહેરની ઝપેટમાં છે. હવામાન વિભાગનું કહેવું છે કે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં ધુમ્મસની અસર ગંભીર રહેશે. લોકોને ભારે સાવધાની સાથે વાહન ચલાવવાનું સૂચન કરવામાં આવે છે.
ગાઝિયાબાદમાં પણ વધતી ઠંડી અને ધુમ્મસને જોતા શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગાઝિયાબાદમાં ધોરણ ૧ થી ૮ સુધીની તમામ શાળાઓનો સમય સવારે ૧૦ થી બપોરે ૩ વાગ્યા સુધી બદલાયો છે. અલીગઢમાં તમામ બોર્ડના ધોરણ ૧ થી ૧૨ સુધીની શાળાઓ ૨૯ ડિસેમ્બરે ભારે ઠંડીને ધ્યાનમાં રાખીને બંધ રહેશે. આવતીકાલે મ્યુ.ની શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. અલીગઢ તેમજ જાલૌનમાં ૩૧ ડિસેમ્બર સુધી ૧ થી ૮ ધોરણ સુધીની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
ધુમ્મસ અને ઠંડીને જોતા આગ્રાના જિલ્લા મેજિસ્ટ્રેટે આદેશ જારી કરીને કહ્યું કે આજે એટલે કે ૨૮મી ડિસેમ્બરે ધોરણ ૧ થી ૮ સુધી ચાલતી તમામ શાળાઓમાં રજા રહેશે. ગાઢ ધુમ્મસને કારણે ઘણી ટ્રેનો અને ફલાઈટ્સની ગતિ પણ બંધ થઈ ગઈ છે. ઉત્તર ભારતમાંથી પસાર થતી રાજધાની અને વંદે ભારત સહિત ૨૫ વધુ ટ્રેનો લગભગ બેથી સાત કલાક મોડી ચાલી રહી છે.
ભારતીય રેલવેએ માહિતી આપી હતી કે ઠંડી અને ઓછી વિઝિબિલિટીના કારણે લગભગ ૨૨ ટ્રેનો મોડી ચાલી રહી છે. ઓછી વિઝિબિલિટીને કારણે, દિલ્હી એરપોર્ટ પર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફલાઇટ્સનું આગમન અને પ્રસ્થાન બંને મોડી થઈ રહી છે. જાણકારી અનુસાર ઓછી વિઝિબિલિટીના કારણે લગભગ ૧૩૪ ફલાઈટ્સ પ્રભાવિત થઈ રહી છે.ગાઢ ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીના કારણે ઘણી ટ્રેનોની સ્પીડ બંધ થઈ ગઈ હતી. રાષ્ટ્રીય રાજધાનીમાં કેટલીક ટ્રેનો મોડી ચાલી રહી છે. નવી દિલ્હી સ્ટેશનથી આવતી અને ઉપડતી ઘણી ટ્રેનો મોડી ચાલી રહી છે. ભારતીય હવામાન વિભાગે માહિતી આપી હતી કે પંજાબ, હરિયાણા-દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ધુમ્મસનું સ્તર છે. મધ્ય ઉત્તર પ્રદેશ અને ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે.