
નવીદિલ્હી,
ઉત્તર ભારતમાં ૧૨ ડિસેમ્બરથી કડકડતી ઠંડી પડવાની શકયતા છે. હવામાન શાક્રીઓનાં મત મુજબ ૮ ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાં દસ્તક આપશે. જેના કારણે પહાડી વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વિદાય બાદ ૧૨ ડિસેમ્બરથી પહાડી વિસ્તરોમાંથી ઉત્તર ભારતના મેદાનો તરફ ઠંડા પવનો ફુંકાશે.
સ્કાયમેટ વેધર સર્વિસીસના વાઈસ પ્રેસિડેન્ટ પલાવતના જણાવ્યા અનુસાર ૧૨ ડિસેમ્બરથી દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં લઘુતમ તાપમાન ૬થી ૭ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં લઘુતમ તાપમાન આગામી ચારથી પાંચ દિવસ સુધી ૭થી ૮ ડિગ્રી સેલ્સિયસ રહેશે. ૧૫ ડિસેમ્બર બાદ ધુમ્મસની અસર વધવાની શકયતા છે. આ પહેલા સામાન્ય ધુમ્મસની શકયતા છે. માઉન્ટ આબુમાં પવનોની દિશા બદલવાના કારણે તેની ઝડપમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ બે દિવસથી ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે માઉન્ટ આબુ બાદ શેખાવટી ક્ષેત્રનું સીકર અને ચુરુ જિલ્લામાં પણ ઠંડીનું પ્રમાણ સૌથી વધુ હતું. કડકડતી ઠંડીના કારણે માઉન્ટ આબુ થીજી ગયું છે અહીં સતત બીજા દિવસે લઘુતમ તાપમાન શૂન્ય ડિગ્રી પર રહ્યું જયારે મહત્તમ તાપમાનમાં નજીવો વધારો નોંધાયો હતો અને તાપમાન ૨૫ ડિગ્રી પર પહોંચ્યું હતું. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ૧૭ દિવસ પહેલાં જ તાપમાનનો પારો શૂન્ય પર પહોંચી ગયો હતો.
જયારે સીકરમાં ગત રાત્રીએ ઉત્તરીય પવનો ફુંકાવાના કારણે ઠંડી વધી હતી. સવારે લગભગ સાત વાગ્યા સુધી ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. હવામાન ચોખ્ખુ થવાથી તડકો તો થયો પરંતુ ઉત્તરિય હવાઓના કારણે ઠંહીનું પ્રમાણ જેમનું તેમ જ રહ્યું હતું. ફતેહપુરમાં લઘુત્તમ તાપમાન ૪.૫ ડિગ્રી રહ્યું હતું જયપુરમાં લઘુત્તમ તાપમાન ૧૦.૮ ડિગ્રી નોંધાયું હતું.