સુરત ,
ઉત્તરાયણના પર્વને હજુ ઘણા દિવસો બાકી છે, પરંતુ તે પહેલા જ પતંગની દોરીની રામાયણ શરૂ થઈ ગઈ છે. અત્યારથી જ આકાશમાં પતંગો ઉડતા લોકોના ગળા કપાવા લાગ્યા છે. સુરત શહેરના પાંડેસરામાં યુવાન બાઇક પર પત્ની સાથે પસાર થઈ રહ્યો હતો, ત્યારે પતંગની દોરી ગળામાં લપટાઈ જતા ગળું કપાઈ જવાની ઘટના બની છે. ત્યારે પત્નીએ પતિને બચાવવાનો પ્રયાસ કરતા પત્નીના આંગળીઓમાં ગંભીરતા ઈજા પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ પુનિત નગર ખાતે રહેતો ૨૭ વર્ષે બબલુ હરીચંદ્ર વિશ્ર્વકર્મા પાંડેસરા પિયુષ પોઇન્ટ બ્રિજ પરથી બાઈક પર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન તેમના શરીર પાસેથી પતંગની દોરી પસાર થઈ ગઈ હતી. જેથી બબલુ વિશ્ર્વકર્માનું ગળું કપાઈ ગયું હતું. જેથી તેઓ લોહી લુહાણ થઈ જતા તાત્કાલિક સારવાર અર્થ નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ગંભીર રીતે ગળું કપાઈ ગયુ હોવાથી તેમને ઈમરજન્સી વોર્ડમાં ખસેડીને હોસ્પિટલના ડોક્ટરો દ્વારા ઓપરેશન કરાયુ હતું. હાલ બબલુ વિશ્ર્વકર્મા સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યાં છે. આ સમયે તેમની પાછળ તેમના પત્ની બેસ્યા હતા. પતિને બચાવવા જતા પતંગની દોરીથી તેઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા. પત્નીને પતંગના દોરીથી હાથમાં સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણના પર્વને હજુ શરૂ થવા ઘણા દિવસ બાકી છે, ત્યારે અત્યાર સુધીમાં પતંગથી દોરીથી કપાઈ જવાના ત્રણ કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં બે લોકોનું ગળું ગંભીર રીતે કપાઈ જવાની ઘટના બની છે. જ્યારે સુરત મહાનગરપાલિકા ઉત્તરાયણ પર્વના બે મહિના પહેલા પતંગની કાતિલ દોરીથી બચાવવા માટે શહેરના બ્રિજ ઉપર તાર લગાવવાની કામગીરી કરતી હોય છે, પરંતુ હવે ઉત્તરાયણના પર્વને ૨૫ દિવસ બાકી છે. અત્યાર સુધી પણ સુરત મહાનગરપાલિકા દ્વારા બ્રિજો ઉપર તાર લગવાની કામગીરી કરવામાં આવી નથી, જેથી અત્યારથી જ બનાવો બનવાની શરૂઆત થઈ ગઈ છે.