ઉત્તર પ્રદેશ: મઉમાં મોટી દુર્ઘટના, ઘરમાં આગ લાગતા એક જ પરિવારના પાંચ સભ્યોના મોત

મઉ,

ઉત્તર પ્રદેશના મઉમાં અચાનક આગ લાગવાથી એક દુ:ખદ ઘટના ઘટી ગઈ છે. મઉના શાહપુર ગામમાં મંગળવારે મોડી રાતે અચાનક એક ઘરમાં આગ લાગી ગઈ હતી, જેમાં એક જ પરિવારના પાંચ સભ્યો જીવતા બળીને ખાક થયા હતા. કહેવાય છે કે, જ્યારે પરિવાર ગાઢ નિંદરમાં સુઈ રહ્યો હતો, ત્યારે આ દુર્ઘટના થઈ હતી અને આગ લાગવાના કારણે અચાનક ચિસો પડવા લાગી હતી. એક અધિકારીએ આ પ્રકારની જાણકારી આપી છે. પોલીસે લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે.

સમાચારઅનુસાર, મઉ જિલ્લાધિકારી અરુણ કુમારે કહ્યું કે, મઉ જિલ્લાના કોપાગંજ પોલીસ સ્ટેશનના શાહપુર ગામમાં એક ઘરમાં આગ લાગવાથી એક મહિલા, ૧ આઘેડ વ્યક્તિ અને ૩ સગીર બાળકો સહિત સહપરિવાર ૫ સભ્યોના મોત થઈ ગયા છે. ઘટનાની જાણકારી મળતા ફાયર વિભાગ, મેડીકલ અને રાહત બચાવ કાર્ય ટુકડી ત્યાં પહોંચી ગઈ અને જેમ તેમ કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

અધિકારીઓનું માનીએ તો, પ્રારંભિક રિપોર્ટમાં કહેવાયું છે કે, આગ ચૂલાના કારણે લાગી હતી. જિલ્લાધિકારીએ પ્રતિ વ્યક્તિ ૪ લાખ રૂપિયાની સહાયતા આપવાની જાહેરાત કરી છે. હાલમાં આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં માતમ છવાયેલો છે. પરિજનોની હાલત રોઈ રોઈને ખરાબ થઈ ગઈ હતી. ઘટના સ્થળ પર લોકોની ભીડ ઉમટી પડી હતી.