ઉસરવાણમાં નળ છે જળ નથી, 4 હજાર લોકો એક જ વાવના ભરોસે

  • ડબ્બ્લ એંજીનની સરકારના કહેવા મુજબ દાહોદ જીલ્લામાં નળ સે જળ યોજનામાં ઘરે ઘરે નળ આવી ગયા છે અને લોકોને પૂરતા પ્રમાણમાં દરરોજ પીવાનું પાણી મળી રહે છે, જે વાતો તદ્દન પોકળ સાબિત થાય છે.
  • ગામમાં માત્ર ગોલાગામડી ફળિયામાં જ નલ સે જલનું દેખાવ પૂરતું પાણી અપાય છે.
  • લાજ કાઢીને પાણી માટે મહિલાઓની એકથી દોઢ કિમીની દરરોજ દડમજલ.

દાહોદ,દાહોદ શહેરથી ચાર કિમી દૂર આવેલા 4 હજારની વસતિ ધરાવતા ઉસરવાણ ગામમાં પ્રવેશો એટલે સવાર હોય કે સાંજ અહીં બેડલા લઇને પાણી ભરવા માટે દડમજલ કરતી મહિલાઓ જોવા મળી જ જાય. ઉનાળો શરૂ થવા સાથે જ આ ગામમાં પાણીની ગંભીર સમસ્યા ઉદભવી છે. ગામમાં નલ સે જલ યોજનાના કનેક્શન આપી દેવાયા છે, ગામના ચારેય ફળિયામાં ટેસ્ટિંગ પણ કરી દેવાયું છે. પરંતુ આ યોજના ગામ માટે શોભાના ગાઠિયા સમાન જ બની રહી છે.

બીજી તરફ ગામમાં ચાલતા હેન્ડપંપમાં પણ જોઇએ તેટલું પાણી નથી, છે તેમાં પીવા લાયક નથી અને બગડેલા હેન્ડપંપ સમારકામ માંગી રહ્યા છે, પરંતુ તે હેન્ડપંપ પણ પાણી વિહોણા જ છે. સરવાણમાં ગામતળ, ટીંડોરી ફળિયા, ગોળાતળાઇ અને ઉસરવાણ ફળિયુ એમ ચાર ફળિયા આવેલા છે. ફળિયાઓનું અંતર ઘણું દૂર છે. ગામતળ, ટીંડોરી ફળિયા અને ગોળા તળાઇ ફળિયાની મહિલાઓને ઉસરવાણ ફળિયામાં આવેલી વાવમાંથી પાણી ભરવા માટે એકથી દોઢ કિમીની મજલ કાપવી પડે છે.

મહિલાઓ જ નહીં બાળકો, પુરૂષો પણ સવારથી પાણી ભરવાના કામમાં જોતરાઇ જતાં હોય છે. ઉસરવાણ ગામમાં નલ સે જલ પાછળ કરાયેલો ખર્ચ એળે ગયો હોવાનું જોવાઇ રહ્યુ છે. ગામના એક માત્ર ગોળાતળાઇ ફળિયામાં નલ સે જલનું પાણી અપાય છે પરંતુ તે પણ આંતરે કે ત્રીજા દિવસે અપાય છે. બાકી ગામના ત્રણ ફળિયામાં ટેસ્ટિંગ બાદ આ જ સુધી પાણીનું ટીપુંય આવ્યું નથી. ઘર વપરાશ સાથે ઢોરો માટે પણ પાણીની વ્યવસ્થા માટે સંખ્યાબંધ લોકોને રૂપિયા ખર્ચીને બહારથી ટેન્કરો પણ મંગાવવા પડી રહ્યા છે. જે ચિંતાનો વિષય બન્યો છે.

વાવ પણ સૂકાઇ જશે પછી વારા પડશે….

હાલમાં એક જ વાવ છે. વાવને સતત ઉલેચવાથી તે પણ એકાદ મહિનામાં સૂકાઇ જશે, તેમાં પાણી ઓછું થઇ જશે. અત્યારે તો કોઇ પણ પાણી ભરી લે છે, પરંતુ પાણી ઓછું થવાના કિસ્સામાં અહીં પણ વારા પડશે, જે વહેલું આવશે તે પાણી ભરશે તેવું નક્કી કરાયું છે.

દૂરથી ચાલતા જઇને આવીએ છીએ….

અમારા ફળિયામાં પાણીની કોઇ વ્યવસ્થા જ નથી. દૂરથી ચાલતા જઇને પાણી ભરવા આવીએ છે. કામે પણ જવાનું હોય છે, પણ પાણીની પહેલાં વ્યવસ્થા કરવી પડે છે. અમારે દર ઉનાળે આ રીતે પીડાવું પડે છે. – વનિતાબેન, ગ્રામજન…