USથી વધુ 487 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ થશે ડિપોર્ટ:સરકારે ગેરવર્તણૂક પર ચિંતા વ્યક્ત કરી; બે દિવસ પહેલાં 104 લોકોને હાંકી કાઢ્યા હતા

અમેરિકા ટૂંક સમયમાં 487 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને અમેરિકામાંથી ડિપોર્ટ કરવાની તૈયારીમાં છે, તે દરમિયાન સરકારે ભારતીયો સાથે દુર્વ્યવહાર થવાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

કેન્દ્ર સરકારે કહ્યું કે, અમેરિકી અધિકારીઓએ ત્યાં રહેતા 487 વધુ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સની ઓળખ કરી છે અને તેમને ટૂંક સમયમાં ભારત પાછા મોકલવામાં આવશે. અમેરિકામાંથી ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવા અંગે વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, વિદેશ મંત્રી (EAM)એ અમેરિકન અધિકારીઓ દ્વારા શેર કરાયેલ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) વિશે માહિતી આપી છે. વિક્રમ મિસ્ત્રીએ કહ્યું કે, વિદેશ મંત્રીએ ધ્યાન દોર્યું કે આ પ્રક્રિયા ઘણા સમયથી ચાલી રહી છે. જોકે, ડિપોર્ટ કરાયેલા સ્થળાંતરકારો સાથે દુર્વ્યવહારનો મુદ્દો ગંભીર છે, જે અમે યુએસ અધિકારીઓ સમક્ષ ઉઠાવ્યો છે.

એક પત્રકાર પરિષદને સંબોધતા વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, અમેરિકાએ ભારતને 487 સંભવિત ભારતીય નાગરિકો વિશે માહિતી આપી છે, જેમને ડિપોર્ટના આદેશો જારી કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, અમે US વહીવટીતંત્રને સ્પષ્ટ કરી દીધું છે કે ડિપોર્ટ કરાયેલા ભારતીયો સાથે કોઈપણ અમાનવીય વર્તન સહન કરવામાં આવશે નહીં. જો અમને કોઈપણ પ્રકારના દુરુપયોગની જાણ થશે, તો અમે તાત્કાલિક તેને ઉચ્ચ સ્તરે ઉઠાવીશું.

વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ડિપોર્ટની પ્રક્રિયા નવી નથી. વિદેશ મંત્રી જયશંકરે ગઈકાલે સંસદમાં આ મુદ્દા પર ચર્ચા કરી હતી. ભારતને અસહકારશીલ દેશ તરીકે વર્ણવવામાં આવે તે હું સ્વીકારીશ નહીં. જો વિશ્વનો કોઈ પણ દેશ તેના નાગરિકોને પાછા સ્વીકારવા માંગતો હોય, તો તેને ખાતરી આપવાની જરૂર છે કે જે કોઈ પણ પરત આવી રહ્યું છે તે ભારતનો નાગરિક છે, આમાં કાયદેસરતા અને સુરક્ષાના મુદ્દાઓ સંકળાયેલા છે. તાજેતરમાં થયેલી વાતચીતમાં જ્યારે અમે અમેરિકાથી પાછા ફરનારા સંભવિત લોકો વિશે વિગતો માંગી. અમને જણાવવામાં આવ્યું છે કે 487 ભારતીય નાગરિકો માટે અંતિમ ડિપોર્ટના આદેશો છે. અમેરિકામાંથી ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવા માટે લશ્કરી વિમાનના ઉપયોગ અંગે તેમણે કહ્યું કે, ગઈકાલે થયેલી ડિપોર્ટ ઘણા વર્ષોથી ચાલી રહેલી પ્રક્રિયાથી અલગ હતી અને થોડી અલગ પ્રકૃતિની હતી.

આ ઉપરાંત વિદેશ સચિવે ગેરકાયદેસર સ્થળાંતરને પ્રોત્સાહન આપતી ગેંગ અને નેટવર્ક સામે નક્કર કાર્યવાહીની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું ,કે આપણે સમગ્ર સિસ્ટમમાં હાજર ઇકોસિસ્ટમ સામે પગલાં લેવાની જરૂર છે, જે ગેરકાયદેસર ઇમિગ્રેશનને પ્રોત્સાહન આપે છે.

તમને જણાવી દઈએ કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવાનું શરૂ કરી દીધું છે. આ જ ક્રમમાં અમેરિકાએ બુધવારે (5 ફેબ્રુઆરી) પોતાના લશ્કરી વિમાન C-17 દ્વારા 104 ભારતીય ઇમિગ્રન્ટ્સને ભારત પાછા મોકલ્યા.