યુએસના મિસૌરીમાં માતાએ એક મહિનાની બાળકીને ભૂલથી ઓવનમાં મૂકી દેતાં મોત

વોશિગ્ટન, અમેરિકામાં એક હૃદય હચમચાવે તેવી ઘટના સામે આવી છે. મિસૌરી, કેન્સાસ શહેરમાં એક મહિનાની બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે તેની માતાએ અજાણતાં તેને ઓવનમાં મૂકી દીધી હતી અને સળગી જવાના કારણે અને શ્ર્વાસ રૂંધાવાના કારણે બાળકીનું મોત થયું હતું.

પોલીસે તરત જ ૨૬ વર્ષની માતાની ધરપકડ કરી લીધી હતી અને તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર બાળકીની માતા મારિયા થોમસે પોતાની નવજાત બાળકીને રાતના સમયે લાપરવાહીથી ઓવનમાં રાખી દીધી હતી. મારિયાનો દાવો છે કે પોતે ખૂબ ઊંઘમાં હતી અને ભૂલથી આવું કર્યું હતું. જ્યારે તેણી સવારે ઊઠી ત્યારે તેને ભાન થયું હતું અને ઓવન ખોલીને જોયું હતું પણ ત્યારે બાળકી સંપૂર્ણ રીતે સળગી ગઇ હતી અને ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. સરકારી વકીલે આ મહિલાને કડકમાં કડક સજા કરવાની અપીલ કરી છે. પોલીસ હાલમાં એ તપાસ કરી રહી છે કે મહિલાએ બાળકીને જાણી જોઇને ઓવનમાં મૂકી હતી કે પછી ભૂલથી આવું દુષ્કૃત્ય થઇ ગયું હતું ?