યુએસમાં પહેલીવાર ૮૩ મુસ્લિમ વિજયી, ૧૫૦ ઉમેદવારે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું

ન્યૂયોર્ક,

અમેરિકામાં તાજેતરમાં આયોજિત મયસત્રની ચૂંટણીના પરિણામો ચોંકાવનારા રહ્યા. સ્થાનિક, રાજ્ય અને કેન્દ્રીય ચૂંટણીમાં આશરે ૧૫૦ મુસ્લિમ ઉમેદવારો મેદાને ઉતર્યા હતા. તેમાંથી ૮૩ વિજયી થયા. અમેરિકામાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં મુસ્લિમ ઉમેદવારો જીત્યા હતા. જીતનારા તમામ ઉમેદવારો ડેમોક્રેટિક પાર્ટી સાથે જોડાયેલા હતા.

અગાઉ ૨૦૨૦માં ૭૧ મુસ્લિમ ઉમેદવારો ચૂંટણી જીત્યા હતા. રાજકીય નિષ્ણાત સાન્યા મન્સૂર અનુસાર આ ચૂંટણીમાં સ્પષ્ટ થઈ ગયું છે કે મુસ્લિમો હવે અહીંના રાજકારણનો હિસ્સો છે. અમેરિકામાં ૩૪.૫ લાખ મુસ્લિમોની વસતી છે. તેમાં મોટાભાગના ડેમોક્રેટિક પાર્ટીના મતદારો છે.

રિપબ્લિકન પાર્ટી જમણેરી કટ્ટર વિચારધારા સાથે જોડાયેલી છે જેના લીધે મુસ્લિમ મતદારો તેમની તરફેણમાં નથી. આ ચૂંટણીમાં બાંગ્લાદેશી મુસ્લિમ અમેરિકી નબીલા ઈસ્લામ જ્યોજયા સેનેટ માટે જીતનાર પ્રથમ મુસ્લિમ અને પ્રથમ દક્ષિણ એશિયાઈ મહિલા છે.

અમેરિકામાં અશ્ર્વેતોને મળતી અનામત પર જલદી જ સુપ્રીમકોર્ટ દ્વારા રોક લગાવાઈ શકે છે. અનેક ભારતીય વિદ્યાર્થીઓનો દાવો છે કે અનામતના નામે હાર્વર્ડ જેવી મોટી યુનિવસટી ભેદભાવ કરે છે. આ કારણે તેમણે કોર્ટમાં અનામત વિુરદ્ધ અરજી દાખલ કરી હતી. સ્ટુડન્ટ્સ ફોર ફેર એડમિશન(એસએફએએફએ)નામના સમૂહે કોર્ટમાં કહ્યું કે અનામત એક સકારાત્મક નીતિ છે પણ તે સમાનતાથી લાગુ નથી કરાઈ રહી. જોકે હાર્વર્ડે આ દાવાને ફગાવી દીધા હતા. અમુક વર્ષ પહેલા એસએફએએફએ આ મામલે નીચલી કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો પણ તે કેસ હારી ગયા. નિષ્ણાતો અનુસાર હવે એસએફએએફએ આ કેસ જીતી શકે છે.

મયસત્રની ચૂંટણીમાં ભારતીય મૂળના ઉમેદવારોની સંખ્યા ૪૨ હતી જેમાંથી ૩૨એ ચૂંટણી જીતી લીધી. રિપબ્લિકને ફક્ત ૫ ભારતીય મૂળના ઉમેદવારોને ટિકિટ આપી હતી. જેમાંથી બધા જ હારી ગયા. બીજી બાજુ ડેમોક્રેટિક પાર્ટીએ આશરે ૩૭ ભારતીય મૂળના ઉમેદવારોને ટિકિટ આપી. તેમાંથી ૩૨એ ચૂંટણી જીતી લીધી. સંસદમાં પ્રતિનિધિત્વ કરવા માટે ડેમોક્રેટ્સએ ૮ ઉમેદવારો ઉતાર્યા હતા, જેમાંથી ૫ જીત્યા હતા.

ભારતીય મૂળની ૨૩ વર્ષીય મુસ્લિમ મહિલા નબીલા સૈયદે ઈલિનોઈસમાં જનરલ એસેમ્બલીની સીટ જીતી લીધી. તે અહીં જીતનાર સૌથી નાની વયની મહિલા છે. સૈયદે અહીંથી રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ક્રિસ બોસને પરાજય આપ્યો. ઈલિનોઈસ સીટ રિપબ્લિકનનું ગઢ મનાય છે પણ સૈયદે આ કિલ્લો સર કરી આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી હતી.