વોશિગ્ટન, અમેરિકી સેનાએ યમનમાં હુથી વિદ્રોહીઓના કબજા હેઠળના વિસ્તારો પર ફરીથી મિસાઈલ છોડી છે. અમેરિકન અધિકારીઓએ આ માહિતી આપી. રિપોર્ટ અનુસાર, યુએસ સેનાએ એક સાથે હુથીઓ પર ૧૪ મિસાઇલો છોડી હતી. જેમાં હુથી વિદ્રોહીઓના ઘણા મહત્વના ઠેકાણાઓને નષ્ટ કરી દેવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં હુથીઓના મોતની પણ આશંકા છે. તમને જણાવી દઈએ કે પશ્ર્ચિમ એશિયામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યમનના હુતી વિદ્રોહીઓ પર અમેરિકન સેનાનો આ ચોથો મોટો હુમલો છે.
આ હુમલાઓ પહેલા, યુ.એસ.એ સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે તેણે યમનમાં ઈરાન સમથત હુથી બળવાખોરોને વિશેષ નિયુક્ત વૈશ્ર્વિક આતંકવાદીઓ તરીકે ફરીથી નિયુક્ત કર્યા છે. ગયા શુક્રવારે પણ, અમેરિકન અને બ્રિટીશ યુદ્ધ જહાજો અને યુદ્ધ વિમાનોએ યમનમાં હુથી બળવાખોરો દ્વારા ઉપયોગમાં લેવાતા ૬૦ થી વધુ ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા, પરંતુ પ્રતિબંધો અને લશ્કરી હુમલાઓ છતાં, હુથી બળવાખોરો વેપારી જહાજો પરના હુમલાઓથી બચતા નથી.
યમનના હુતી વિદ્રોહીઓના કબજા હેઠળના સ્થળેથી ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ ડ્રોન એડનની ખાડીમાં અમેરિકી માલિકીના જહાજ પર પડ્યું હતું. અમેરિકાએ ઈરાનને હુતી વિદ્રોહીઓને શસ્ત્રો આપવા સામે કડક સ્વરમાં ચેતવણી આપી છે. પેન્ટાગોનના પ્રેસ સેક્રેટરી મેજર જનરલ પેટ રાયડરે બુધવારે કહ્યું કે અમેરિકા હુમલા રોકવા માટે સૈન્ય કાર્યવાહી ચાલુ રાખશે. બળવાખોરોનું કહેવું છે કે ૭ ઓક્ટોબરે ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ ગાઝામાં ઇઝરાયેલની લશ્કરી કાર્યવાહીના જવાબમાં તેઓએ જહાજોને નિશાન બનાવ્યા હતા.