સુરત, રાજ્યમાં ઉર્જા વિભાગના વિદ્યુત કોર્પોરેશનમાં જુનિયર આસીટન્ટ ક્લાર્કની ભરતી વર્ષ 2020-21 દરમિયાન કરવામાં આવી હતી. જેમાં ઓનલાઈન પરીક્ષામાં ગોટાળા આચરીને ભરતી કરવામાં આવી હોવાના આક્ષેપ થયા હતા. ભરતીને લઈ એજન્ટોએ ટેકનોલોજીના ઉપયોગથી કૌભાંડ આચરી કેટલાક ઉમેદવારોને ભરતીમાં પાસ કરાવી દઈ નોકરી અપાવી હતી. આ મામલાની સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન સાબરકાંઠા જિલ્લામાંથી 9 જેટલા વિજ કંપનીના કર્મચારીઓને અટકાયત સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમો સાબરકાંઠામાં આવીને કર્મચારીઓને તેમને અલગ અલગ સ્થળો પરથી ઉઠાવ્યા હતા. 4 મહિલાઓ સહિતનના વીજ કર્મચારીઓને સુરત પોલીસની ટીમો તેમને સુરત લઈ જવા રવાના થઈ હતી. સુરત પોલીસની કાર્યવાહીને પગલે સ્થાનિક સ્તરે હલચલ મચી ગઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં ભરતી કૌભાંડને લઈ ફરી એકવાર હલચલ મચવા પામી છે. અગાઉ પણ અડધો ડઝન જેટલા લોકોને સુરત પોલીસે ઉઠાવ્યા હતા અને હવે ફરી એકવાર 9 લોકોની અટકાયત કરાઈ છે.
ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ટીમો રચી હતી. જે એક સાગમટે જ UGVCLની જુદી જુદી કચેરીઓ પર પહોંચી હતી. જ્યાં પહોંચીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમો દ્વારા કર્મચારીઓની વિગતો ઓફીસના અધિકારીઓ પાસેથી મેળવીને કર્મચારીઓની પ્રાથમિક પૂછપરછ અને ઓળખ કરીને તેમની અટકાયત કરવામાં આવી હતી. જિલ્લામાંથી વીજ કર્મચારીઓ ક્લાર્કની અટકાયત કરીને તેમને સુરત લઈ જવા માટે ટીમો રવાના થઈ હતી. આ જુનિયર આસીસ્ટન્ટ ક્લાર્કોમાં 4 મહિલા હોવાનુ સામે આવ્યુ છે.
હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા અને પ્રાંતિજ વિસ્તારમાંથી ટીમો દ્વારા કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે. સુરત પોલીસની અચાનક જ UGVCL ની અટકાયતની કાર્યવાહીને લઈ હલચલ મચી જવા પામી છે. હિંમતનગર શહેરમાં આવેલી ઉત્તર ગુજરાત વીજ કંપની લીમીટેડની કંપનીની કચેરીમાંથી પણ પોલીસની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. અગાઉ પણ પોલીસ દ્વારા આવી જ રીતે કેટલાક લોકોને સાબરકાંઠા જિલ્લામાંથી અટકાયત કરવામાં આવી હતી. ફરી એકવાર આવી જ રીતે સુરત પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આમ સુરત પહોંચ્યા બાદ કેવી કાર્યવાહી કરવામાં આવે છે, તેની રાહ જોવાઈ રહી છે.