
સુરતની સરથાણા પોલીસે 2023ના એક ચકચારી ગેંગરેપ અને મર્ડર કેસમાં એક આરોપીને ઝડપી લીધો છે. 2023માં ઉત્તર પ્રદેશથી 16 વર્ષની સગીરાને એલ્યુમિનિયમની કંપનીમાં કામ કરતો કારીગર મહાવીર અપહરણ કરીને સુરત લઈ આવ્યો હતો. ત્યારબાદ એલ્યુમિનિયમની ફેક્ટરીમાં જ તેના માલિક નિક્ષિત મુકેશભાઈ ઘરસાડિયા અને કારીગર દ્વારા બંનેએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. જેમાંથી પોલીસે નિક્ષિતને ઝડપી લીધો છે.
સિગારેટ પીવાની ટેવ અંગે ટિપ મળી ને પોલીસ પહોંચી કંપનીના માલિક અને કારીગરે હેવાનિયતની હદ વટાવતા ગેંગરેપ પીડિતાને પેટ્રોલ છાંટી જીવતી સળગાવી દીધી હતી. જેથી સગીરાનું સારવાર દરમિયાન ઉત્તર પ્રદેશમાં મોત નીપજ્યું હતું. આ કેસ ઉત્તર પ્રદેશમાં નોંધાતા છેલ્લાં બે વર્ષથી આરોપીની શોધખોળ ચાલી રહી હતી. આ દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસે સરથાણા પોલીસની મદદ માંગી હતી. જેથી સરથાણા પોલીસને નિક્ષિત રોજ પાનના ગલ્લે સિગારેટ પીવા આવતો હોવાની બાતમી મળી હતી. ત્યાર બાદ વોચ ગોઠવી તેને ઝડપી લેવાયો હતો.
કારીગર ઉત્તર પ્રદેશથી અપહરણ કરી સગીરાને હથોડા ગામ લાવ્યો આ અંગે મળતી માહિતી પ્રમાણે, 2 ફેબ્રુઆરી 2023માં ઉત્તર પ્રદેશના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં 16 વર્ષની સગીરાના અપહરણ બાદ ગેંગરેપ અને હત્યાનો ગુનો નોંધાયો હતો. જે તે દિવસે એલ્યુમિનિયમ ફેક્ટરીમાં કામ કરતો મહાવીર નિષાદ સગીરાને ઉત્તર પ્રદેશથી અપહરણ કરીને સુરતના હથોડા ગામ ખાતે આવેલી એલ્યુમિનિયમ ફેક્ટરીમાં લાવ્યો હતો.
ત્યાર બાદ પીડિતા પર એલ્યુમિનિયમ ફેક્ટરીના 25 વર્ષીય માલિક નિક્ષિત મુકેશભાઈ ઘરસાડિયા અને કારીગર મહાવીરે ગેંગરેપ કર્યો હતો. જો કે ગેંગરેપ બાદ સગીરા આ અંગે અન્યને જાણ કરી દેશે તેવો ડર લાગતા પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી. જેથી સગીરાને ગંભીર હાલતમાં સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા તેના પરિવારનો સંપર્ક કરવામાં આવતા પરિવારજનો સુરત આવ્યાં હતાં અને સગીરાને લઈને વતન યુપી જતાં રહ્યાં હતાં.
બે દિવસની સારવાર બાદ પીડિતાએ દમ તોડ્યો સગીરાની હાલત ગંભીર હોવાથી તેણે બે દિવસની સારવાર બાદ દમ તોડી દીધો હતો. ઉત્તર પ્રદેશના જયસિંગપુર પોલીસ સ્ટેશનમાં અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશ પોલીસ બે વર્ષથી બંને આરોપીઓની શોધખોળ કરી રહી હતી. આ દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસને બે આરોપી પૈકી નિક્ષિતનું લોકેશન સુરતના સરથાણા વિસ્તાર હોવાનું જાણવા મળ્યું હતું.
ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા આ અંગે સરથાણા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેથી સરથાણા પોલીસનાં મહિલા PI એમ.બી ઝાલાએ 10 પોલીસકર્મીઓની ટીમ બનાવી. ત્યારબાદ આરોપી વ્રજ ચોક પાસે આવેલા એક પાનના ગલ્લા પર રોજબરોજ સિગારેટ પીવા આવતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે સરથાણા પોલીસે વોચ ગોઠવીને નિક્ષિત મુકેશભાઈ ઘરસાડિયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. હાલ ઉત્તર પ્રદેશ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.