યુપીએસસીના રિઝલ્ટમાં ૧૬ ગુજરાતીએ મેદાન માર્યું:પોલીસની પીસીઆર વેનના ડ્રાઈવરના પુત્રનો ગુજરાતમાં ૯મો રેન્ક

અમદાવાદ, આજે જાહેર થયેલા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) ૨૦૨૨ પરીક્ષામાં ગુજરાતમાંથી ૧૬ ઉમેદવારોએ ટોપ ૧૦૦૦માં સ્થાન મેળવ્યું છે. જેમાં સુરત યુવક મયુર પરમારે દેશમાં ૮૨૩ અને ગુજરાતમાં ૯મો રેન્ક આવ્યો છે. ખાસ વાત તો એ છે કે મયૂરના પિતા રમેશભાઈ પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ છે અને પીસીઆર વાનના ડ્રાઈવર છે. મયુર ગુજરાતી લિટરેચરમાં પાસ થયો છે. મયુર છેલ્લા ૪ વર્ષથી તૈયારી કરતો હતો. મયૂરે જણાવ્યું હતું કે, મને આ રેન્ક થી સંતોષ નથી અને હજુ હું બીજી ટ્રાય આપીશ.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ગુજરાતના ૬ ઉમેદવાર જ પાસ થયા હતા અને તેમાં એક પણ મહિલા ઉમેદવાર પાસ થઈ નહોતી. જ્યારે આ વર્ષે બે મહિલા ઉમેદવાર પણ ઝળકી છે. ગુજરાતમાં પ્રથમ સ્થાને અતુલ ત્યાગીએ ઈંગ્લિશ લિટરેચર સાથે દેશમાં ૧૪૫મો રેન્ક મેળવ્યો છે. ટોપ ૫૦૦માં ગુજરાતમાંથી ૪ ઉમેદવારે સ્થાન મેળવ્યું છે. જેમાં દુષ્યંત ભેડા ૨૬૨, વિષ્ણુ શશીકુમાર ૩૯૪ અને ચંદ્રેશ સાખલાએ ૪૧૪મો રેન્ક મેળવ્યો છે.

મયૂર પરમારે જણાવ્યું હતું કે, મેં યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામ ૨૦૨૨ ક્રેક કરી છે, તેમાં મારો ૮૨૩મો રેન્ક છે. ગુજરાતમાં રેન્ક તો ન હોય પણ સ્પીપામાં જે વિદ્યાર્થીઓ છે તે મુજબ મારો નવમો રેન્ક છે. ગ્રેજ્યુએશન બાદ મેં સિવિલ એન્જિનિયરિંગ કર્યું અને ૩ મહિના કોન્ટ્રાક્ટ બેઝ કામ કર્યું છે. સામાન્ય રીતે મને રાતના સમયે વાંચવુ વધુ ગમે છે. કારણ કે, આ સમયે કોઈ ડિસ્ટર્બ કરી શક્તું નથી. શરૂઆતમાં યોગ્ય દિશાનો અભાવ હતો, પણ પછી અગાઉના UPSC પેપર્સ સોલ્વ કર્યા અને વધુને વધુ પ્રેક્ટિસ કરી અને તે સિવાય સિનિયરોને મળ્યો ને આ એક્ઝામ પાસ કરી. આ રેન્ક માં હજુ મને સંતોષ નથી અને હજુ બીજી ટ્રાય આપીશ અને આનાથી પણ સારો રેન્ક મેળવીશ. હું મારી સફળતાનો શ્રેય મારા પિતાને આપું છું.

મારી લાગણી કોઈ પણ અધિકારી મને સામે મળે તો અમે તેમને સેલ્યુટ મારી તેમની ઇજ્જત કરતા હોઇએ છીએ. આજે મારા છોકરાને સેલ્યુટ મારવાનું છે. આથી વધારે ક્યાં પિતાને આવો આનંદ હોય. આજે મારો દીકરો કોઈ જગ્યાએ મને સામે મળશે તો હું એને ચોક્કસ યુનિફોર્મ પહેરી સેલ્યુટ મારીશ. છેલ્લા ચારથી પાંચ વર્ષથી સતત મહેનત કરતો હતો. તે લગ્ન પ્રસંગ કે કોઈ જગ્યાએ આવતો ન હતો અને તેણે મને કહ્યું કે, પપ્પા મારો એક ઉદેશ છે કે,યુપીએસસી ક્લિયર કરવી છે અને આ ક્ષેત્રમાં જે લોકોએ પાંચ-સાત વર્ષ મહેનત કરી છે એ લોકોને રિઝલ્ટ મળ્યું છે.