યુપીએસસી સિવિલ સર્વિસ નું પરિણામ જાહેર:ચાર યુવતી ટોપ ૪માં, ઈશિતા કિશોર સૌથી આગળ, ૯૩૩ સ્ટુડન્ટ્સનું સિલેક્શન થયું

નવીદિલ્હી, યુનિયન પબ્લિક સર્વિસ કમિશને યુપીએસસી સિવિલ સર્વિસ  એક્ઝામનું પરિણામ જાહેર કર્યું છે. ઉમેદવારો તેમનું પરિણામ સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકે છે. આ પરીક્ષામાં ટોપ ૪માં યુવતી આગળ છે, જેમાંથી ઈશિતા કિશોરે ઓલ ઇન્ડિયા રેન્ક-૧ મેળવ્યો છે.

બીજું સ્થાન ગરિમા લોહિયાએ અને ત્રીજું સ્થાન ઉમા હરતિ એનએ જીત્યું હતું. સ્મૃતિ મિશ્રા ચોથા ક્રમે અને ગેહાના નવ્યા જેમ્સ પાંચમા ક્રમે છે. ઉમેદવારોના માર્ક્સ પરિણામ જાહેર થયાના લગભગ ૧૫ દિવસ પછી જાહેર કરવામાં આવશે. ફાઈનલ રિઝલ્ટમાં કુલ ૯૩૩ ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે, તેમાંથી ૩૪૫ ઉમેદવાર બિન અનામત, ૯૯ ઇડબ્લ્યુએસ, ૨૬૩ ઓબીસી, ૧૫૪ એસસી અને ૭૨ એસટી કેટેગરીના છે. ૧૭૮ ઉમેદવારની અનામત યાદી પણ તૈયાર કરવામાં આવી છે. આઇએએસ પદો પર પસંદગી માટે ૧૮૦ ઉમેદવારને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.

પસંદ કરેલા ટોપ ૧૦ ઉમેદવારની યાદી

૧. ઈશિતા કિશોર

૨. ગરિમા લોહિયા

૩. ઉમા હરતિ એન

૪. સ્મૃતિ મિશ્રા

૫. મયૂર હજારિકા

૬. રત્ન નવ્યા જેમ્સ

૭. વસીમ અહેમદ

૮. અનિરુદ્ધ યાદવ

૯. કનિકા ગોયલ

૧૦. રાહુલ શ્રીવાસ્તવ

૧૦૧૧ જગ્યા માટે ભરતી

યુપીએસસીએ ૩ તબક્કામાં સિવિલ સર્વિસીસ ૨૦૨૨ ઉમેદવારના વ્યક્તિગત ઇન્ટરવ્યૂ લીધા હતા, જેનો ત્રીજો અને અંતિમ તબક્કો ૧૮ મે, ૨૦૨૩ના રોજ પૂરો થયો હતો. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જાહેર કરાયેલી સિવિલ સર્વિસીસ મેઇન્સ ૨૦૨૨ના પરિણામ મુજબ, સિવિલ સર્વિસીસ પ્રીલિમિનરી અને મેઈન પરીક્ષામાં લાયકાત ધરાવતા લગભગ ૨,૫૨૯ ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા. યુપીએસસીએ સિવિલ સર્વિસ પરીક્ષા ૨૦૨૨ હેઠળ આઇએએસ આઇપીએસ સહિત ૧૦૧૧ પોસ્ટની ભરતી કરી છે.