કોંગ્રેસે રવિવારે યુનિફાઈડ પેન્શન સ્કીમને લઈને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. કોંગ્રેસે કહ્યું કે યુપીએસમાં યુ એટલે મોદી સરકારનો યુ-ટર્ન. વિરોધ પક્ષ દ્વારા આ કટાક્ષ એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે કેન્દ્ર સરકારે શનિવારે જ ઈન્ટીગ્રેટેડ પેન્શન સ્કીમની જાહેરાત કરી છે. કેન્દ્રીય કેબિનેટે આ યોજનાને મંજૂરી આપી દીધી છે અને તેનાથી ૨૩ લાખ કેન્દ્રીય કર્મચારીઓને ફાયદો થશે. ૧ જાન્યુઆરી, ૨૦૦૪ પછી સરકારી સેવામાં જોડાયેલા કર્મચારીઓને યુપીએસ યોજનાનો લાભ મળશે. યુપીએસ હેઠળ, એ સુનિશ્ર્ચિત કરવામાં આવ્યું છે કે કર્મચારીઓને પગારના ૫૦ ટકા જેટલું પેન્શન મળે.
સરકારી કર્મચારીઓની લાંબા સમયથી પડતર માંગણીઓને પૂર્ણ કરતાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અયક્ષતામાં કેબિનેટની બેઠકે યુનિફાઇડ પેન્શન સ્કીમ (યુપીએસ)ને મંજૂરી આપી હતી, જે પેન્શનની ખાતરી આપે છે. યુપીએસ પર સરકાર પર કટાક્ષ કરતા કોંગ્રેસ અયક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, યુપીએસમાં ’યુ’ એટલે મોદી સરકારનો યુ-ટર્ન! ૪ જૂન પછી વડાપ્રધાનના સત્તાના ઘમંડને જનતાની શક્તિએ માત આપી છે. નોંધનીય છે કે સામાન્ય ચૂંટણીના પરિણામો ૪ જૂને જ જાહેર કરવામાં આવ્યા હતા. ખડગેએ કહ્યું, ’બજેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ/ઇન્ડેક્સ અંગે રિટર્ન. વક્ફ બિલને જેપીસીને મોકલી રહ્યું છે. બ્રોડકાસ્ટિંગ બિલ પાછું ખેંચવું. લેટરલ એન્ટ્રી પાછી ખેંચવી એ તેનું ઉદાહરણ છે.
કોંગ્રેસ અયક્ષે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે ’અમે જવાબદારી સુનિશ્ર્ચિત કરવાનું ચાલુ રાખીશું અને ૧૪૦ કરોડ ભારતીયોને આ નિરંકુશ સરકારથી બચાવીશું!’ તમને જણાવી દઈએ કે નવી પેન્શન સ્કીમ ઓછામાં ઓછા ૧૦ વર્ષની સેવા પછી નિવૃત્તિ પર દર મહિને ૧૦,૦૦૦ રૂપિયાના ન્યૂનતમ પેન્શનની ખાતરી આપે છે યુપીએસને કેન્દ્ર સરકારના ૨૩ લાખ કર્મચારીઓને ફાયદો થશે અને જો રાજ્ય સરકારો પણ યુપીએસ લાગુ કરશે તો આ યોજનાનો લાભ લેનારા કર્મચારીઓની સંખ્યા વધીને ૯૦ લાખ થઈ જશે.
યુપીએસની જાહેરાત કરતા, કેન્દ્રીય મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે કહ્યું કે કર્મચારીના મૃત્યુના કિસ્સામાં, તેના/તેણીના જીવનસાથીને ખાતરીપૂર્વકનું કુટુંબ પેન્શન આપવામાં આવશે. આ ઉપરાંત પેન્શન પર મોંઘવારી રાહત પણ મળશે જેની ગણતરી સમયાંતરે મોંઘવારી પ્રમાણે કરવામાં આવશે. યુપીએસમાં કર્મચારીઓનું યોગદાન ૧૦ ટકા અને સરકારનું યોગદાન ૧૮.૫ ટકા રહેશે. ઓલ્ડ પેન્શન સ્કીમ ઘણા વિપક્ષ શાસિત રાજ્યોમાં લાગુ કરવામાં આવી છે. જૂની પેન્શન યોજના લાગુ કરવાનો મુદ્દો લોક્સભા ચૂંટણીમાં પણ ચર્ચાનો વિષય હતો. આ જ કારણ છે કે લોકોની નારાજગીને જોતા સરકારે એનપીએસને બદલે યુપીએસ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ઓપીએસ નાણાકીય રીતે ટકાઉ નથી કારણ કે તે યોગદાન આપતું નથી, અને તે સરકારી તિજોરી પર બોજ લાવતું રહે છે.