યુપીથી પ્રયાગરાજ, અતીકને લાવવા લઇ જવાનો ખર્ચ ૧૦ લાખ,

લખનૌ,ઉમેશ પાલ મર્ડર કેસમાં આરોપી માફિયા અતીક અહમદને ફરી એકવાર અમદાવાદથી પ્રયાગરાજ લઇ જવામાં આવ્યો છે. અતીક અહમદને પ્રયાગરાજથી સાબરમતી જેલ લાવવા માટે ૩૭ પોલીસ કર્મીઓની સાથે બે પોલીસ વાન અને બે એસ્કોર્ટ કાર મોકલવામાં આવી હતી. આ જ વાહનોમાં અતીક અહમદને મંગળવારે પ્રયાગરાજ લઇ જવામાં આવ્યો હતો. અતીકને સાબરમતી જેલથી પ્રયાગરાજની કોર્ટમાં રજૂ કરવા માટે ઉત્તર પ્રદેશ સરકાર ૧૦ લાખ રૂપિયાનો ખર્ચ કરી રહી છે.

અતીકને લાવવા અને લઇ જવા માટે તૈનાત ૩૭ પોલીસ સ્ટાફને મળતા પગારના હિસાબે ૪ લાખ અને મોંઘવારી ભથ્થાના હિસાબે ૨ લાખ રૂપિયાનો ખર્ચ થઇ રહ્યો છે. આ ઉપરાંત ૩ લાખ રૂપિયા ડીઝલનો ખર્ચ થઇ રહ્યો છે.

એક પોલીસ વાનની એવરેજ ૫ કિ.મી. હોય છે. આ મુજબ વન-વે મુસાફરી માટે પોલીસ વાનમાં ૨૫૫ લિટર ડીઝલ પુરાવવું પડે છે, જેની કિંમત ૨૫,૦૦૦ રૂપિયા જેટલી થાય છે. હવે બે પોલીસ વાન ગઈ હોવાથી એક બાજુનો ખર્ચ ૫૦,૦૦૦ રૂપિયા થશે. પ્રયાગરાજથી વેન સાબરમતી જાય છે, પછી સાબરમતી જેલથી પ્રયાગરાજ આવે છે, પછી પ્રયાગરાજથી સાબરમતી જશે અને પછી સાબરમતીથી પ્રયાગરાજ આવશે. એટલે કે બંને વાહનોના કુલ ૪ ફેરા થશે.

મતલબ કે બંને પોલીસ વાનમાં ૨ લાખ રૂપિયાનો ડીઝલ ખર્ચ થશે. ઉપરાંત પોલીસની બે એસ્કોર્ટ ગાડીઓ પણ લાગેલી છે. એક ગાડીની એવરેજ ૧૨ કિ.મી હોય છે. મતલબ કે એક તરફની યાત્રા માટે પોલીસ એસ્કોર્ટે ૧૦૭ લીટર ડીઝલ પુરાવવું પડે, લગભગ ૧૦ હજાર રૂપિયાનો ખર્ચ થાય. પોલીસ વાનની જેમ આના પણ ૪ ચકકર થાય છે. એસ્કોર્ટ વાહનોનો ડીઝલનો ખર્ચ ૮૦,૦૦૦ રૂપિયા થાય છે.

અતીક અહેમદને લાવવા લઇ જવામાં રોકાયેલા ૩૭ પોલીસ કર્મચારીઓમાં એક સીઓ, એક ઈન્સ્પેક્ટર, બે સબ ઈન્સ્પેક્ટર, ૬ ડ્રાઈવર્સ, ૪ હેડ કોન્સ્ટેબલ અને ૨૩ કોન્સ્ટેબલ લગાવવમાં આવે છે. અતિકને લાવવા અને લઈ જવાના બદલામાં, આ પોલીસકર્મીઓને રૂ. ૬ લાખ (પગાર મોંઘવારી ભથ્થું) ચૂકવવા પડશે. પ્રયાગરાજ પોલીસની સુરક્ષા ઉપરાંત પોલીસની અલગ અલગ ટીમો તૈનાત છે.

આ આંકડા પરથી જોઇએ તો અતીક અહમદને એક વાર સાબરમતી જેલથી પ્રયાગરાજ અને પાછો સાબરમતી લાવવા માટે ઉત્તર પ્રદેશ સકરારને લાખો રૂપિયાનો ખર્ચ ઉઠાવવો પડે છે. હવે સવાલ એ ભો થાય છે કે અતીક અહમદને લાવવા લઇ જવા માટે ઉત્તર પ્રદેશની સરકાર આટલો ખર્ચો કેમ કરી રહી છે? જાણકારોના કહેવા મુજબ ઉત્તર પ્રદેશની સરકાર લોકોના મનમાં માફીયા અતીતનો જે ડર હતો કે કાઢવા માંગે છે.