ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે હિંદીની સાથે સાથે તમામ સુચનાઓને સંસ્કૃતમાં જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. આ જ ઉપક્રમે રવિવારે પ્રથમ પ્રેસનોટ સંસ્કૃતમાં જાહેર કરવામાં આવી છે. આ પ્રેસનોટ કોરોના સમીક્ષા બેઠકની હતી. જેને હિંદીની સાથે સંસ્કૃત પણ જાહેર કરાય છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ બાદ તાત્કાલિક અમલ પણ શરુ થઇ ગયો છે. શનિવારે જ મુખ્યમંત્રીએ આ અંગે નિર્દેશ આપતા કહ્યું હતું કે તમામ સરકારી સુચનાઓ હિંદીની સાથે સંસ્કૃત ભાષામાં પણ જાહેર કરવામાં આવે. તમામ પ્રેસનોટ પણ સંસ્કૃત ભાષામાં જાહેર કરવામાં આવે.
મુખ્યમંત્રી દ્વારા દરરોજ કોરોના અંગે જે સમીક્ષા બેઠક કરવામાં આવે છે તેની પ્રેસનોટ રવિવારે સંસ્કૃત ભાષામાં પણ બહાર પાડવામાં આવી હતી. ઉત્તર પ્રદેશની સાથે સાથે દેશના તમામ સંસ્કૃત ભાષા પ્રેમી લોકો માટે પણ આ ખુશીના સમાચાર છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અનેક વખત જાહેર મંચ ઉપરથી સંસ્કૃત ભાષાના ઉત્થાન અને વિકાસ માટે બોલી ચુક્યા છે. ત્યારે હવે આ માટે તેમણે નક્કર પગલા અને નિર્ણય લેવાની શરુઆત કરી છે.
યુપીના મુખ્યમંત્રી કાર્યાલયના ટ્વિટર હેન્ડલ પરથી સંસ્કૃત પ્રેસનોટ શેર કરવામાં આવી છે. સંસ્કૃત ભાષા આપણી દેવભાષા છે. આપણા શાસ્ત્રો, વેદો, પુરાણો વગેરે તમામ સંસ્કૃત ભાષામાં છે. ઉપરાંત વિજ્ઞાનીઓએ પણ સંસ્કૃત ભાષાનું મહત્વ સ્વીકાર્યુ છે.