લખનૌ, ઉત્તર પ્રદેશ પોલીસ રિઝર્વ રિક્રુટમેન્ટ એક્ઝામિનેશન (યુપી પોલીસ પેપર લીક)નું પ્રશ્ર્નપત્ર લીક થયા બાદ અને પરીક્ષા રદ થયા બાદ ઉત્તર પ્રદેશ સરકારે મંગળવારે ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી અને પ્રમોશન બોર્ડના અયક્ષ રેણુકા મિશ્રાને હટાવી દીધા છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. સરકારે ૧૪ જૂન ૨૦૨૩ના રોજ ૧૯૯૦ બેચના ભારતીય પોલીસ સેવા અધિકારી રેણુકા મિશ્રાને ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી અને પ્રમોશન બોર્ડના ડિરેક્ટર જનરલ અને અધ્યક્ષ ની જવાબદારી સોંપી હતી. તેમને કહ્યું કે ૧૯૯૧ બેચના આઇપીએસ અધિકારી વિજિલન્સ ડિરેક્ટર રાજીવ કૃષ્ણાને બોર્ડની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.
પ્રશ્ર્નપત્ર લીકના આરોપોને પગલે, રાજ્ય સરકારે ૨૪ ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશ પોલીસ રિઝર્વ ભરતી પરીક્ષા રદ કરી હતી અને છ મહિનામાં ફરીથી પરીક્ષા લેવાનો આદેશ આપ્યો હતો. રાજ્ય સરકારે ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા આરોપોની તપાસ કરાવવાની પણ જાહેરાત કરી હતી.
ફેબ્રુઆરી મહિનામાં ૧૭ અને ૧૮ તારીખે ઉત્તર પ્રદેશ પોલીસ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં કુલ ૪૮ લાખ ઉમેદવારોએ ૬૦ હજાર જગ્યાઓ માટે અરજી કરી હતી અને પરીક્ષા આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, યુપી સરકારે આ પરીક્ષા રદ કરી કારણ કે છેલ્લા કેટલાક સમયથી પરીક્ષા પેપર લીક જેવી ઘણી માહિતી બહાર આવી રહી હતી. યુપી સરકારે આ સમગ્ર મામલાની તપાસ માટે એક વિશેષ ટીમની રચના કરી હતી.
ઉત્તર પ્રદેશ પબ્લિક સવસ કમિશન દ્વારા ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ લેવામાં આવેલી સમીક્ષા અધિકારી/સહાયક સમીક્ષા અધિકારી (પ્રારંભિક) પરીક્ષા, ૨૦૨૩ની સમીક્ષા કરવામાં આવી હતી. આ પરીક્ષામાં, સોશિયલ મીડિયા પર કથિત રીતે વાયરલ થઈ રહેલા પ્રશ્ર્નપત્રના કેટલાક પ્રશ્ર્નો અંગે ફરિયાદો મળી હતી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમીક્ષા કર્યા પછી પરીક્ષા રદ કરવાનો આદેશ આપ્યો હતો.