લખનૌ, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદથી રેકોર્ડ પ્રવાસીઓ રામલલ્લાના દર્શન કરવા માટે સતત અયોધ્યા જઈ રહ્યા છે. આ દરમિયાન એપ્રિલ ૨૦૨૪માં દેશમાં ૨.૧૦ લાખ કરોડ રૂપિયાનું રેકોર્ડ જીએસટી કલેક્શન આવ્યું છે. આમાં ખાસ વાત એ છે કે ઉત્તર પ્રદેશે ૧૯ ટકાની વૃદ્ધિ નોંધાવી છે અને મંથલી કલેક્શનમાં તમિલનાડુને પાછળ છોડી દીધું છે. એપ્રિલ ૨૦૨૪માં ૧૨,૨૯૦ કરોડ રૂપિયા સાથે યુપીએ મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાત પછી જીએસટી કલેક્શનમાં ચોથું સૌથી મોટું રાજ્ય બની ગયું છે.
અયોધ્યામાં રામ મંદિરનો રેકોર્ડ જીએસટી સંગ્રહમાં મોટો ફાળો હતો, કારણ કે જાન્યુઆરીમાં રામ મંદિરના ઉદ્ઘાટન પછી રાજ્યના પ્રવાસનમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યમાં રામ મંદિરના નિર્માણ બાદ પ્રવાસીઓમાં ભારે વધારો થયો છે, જેના કારણે સરકારી તિજોરી પણ ભરાઈ ગઈ છે.જીએસટી કલેક્શનના સંદર્ભમાં તમિલનાડુ દેશમાં સૌથી વધુ ફેક્ટરીઓ ધરાવતું રાજ્ય ૫માં સ્થાને જતું રહ્યું છે. એપ્રિલ ૨૦૨૩માં તમિલનાડુનું જીએસટી કલેક્શન રૂપિયા ૧૧,૫૫૯ કરોડ હતું જ્યારે યુપીનું રૂપિયા ૧૦,૩૨૦ કરોડ હતું. ઉત્તર પ્રદેશના જીએસટી કલેક્શનમાં આ વધારો કરચોરીને રોકવાના મજબૂત પગલાં અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આક્રમક ખર્ચને કારણે જોવા મળ્યો છે.
અયોધ્યામાં રામ મંદિરની પૂર્ણાહુતિ અને વિવિધ પહેલને જોતાં યુપીમાં પ્રવાસીઓ દ્વારા કુલ વાર્ષિક ખર્ચ ૨૦૨૫ ના અંત સુધીમાં રૂપિયા ૪ લાખ કરોડને પાર કરી શકે છે, જેના કારણે રાજ્યને નાણાકીય વર્ષ ૨૦૨૫માં ૨૦,૦૦૦-૨૫,૦૦૦ કરોડ રૂપિયાની વધારાની ટેક્સ આવક મળી શકે છે. એસબીઆઇ રિસર્ચ દ્વારા ૨૧ જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર રાજ્ય સરકારે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ભર્યું છે.
મનીકંટ્રોલના રિપોર્ટ અનુસાર અયોધ્યા માં રામ મંદિરની આસપાસ ધાર્મિક યાત્રામાં વધારો થવાને કારણે ઘણો ટ્રાફિક જોવા મળ્યો હતો. જેના કારણે હોટલ અને મુસાફરી માટે મોટા પાયે ચૂકવણી કરવામાં આવી હતી. આનાથી છેલ્લા કેટલાક મહિનામાં જીએસટીની આવકમાં રૂપિયા ૨૦૦-૩૦૦ કરોડની આવક થઈ છે પીડબ્લ્યુસીના જૈનના જણાવ્યા અનુસાર, યુપીનું મૂડી ખર્ચ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી તેની આવકમાં વધારો થઈ શકે છે.