
મૈનપુરી, ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.એક યુવકે તેના જ પરિવારના પાંચ સભ્યોની ફરસીથી કાપીને હત્યા કરી નાખી હતી અને તે બાદ તેણે પોતાને પણ ગોળી મારી દીધી હતી. આ સમગ્ર મામલથી ચકચારી મચી ગઈ છે. આ સમગ્ર મામલો કિશની પોલીસ સ્ટેશન વિસ્તારના ગોકુલપુર ગામનો છે. હત્યાના આ બનાવથી ગામના લોકો દંગ થઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીએ તેની પત્ની અને પિતા પર પણ હુમલો કર્યો હતો, જે બન્નેની હાલત ગંભીર છે. યુવકની સાથે તેની પત્ની અને પિતા પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
યુપીના ઘટનાની ગંભીરતાને જોતા યુપી પોલીસના સ્પેશિયલ ડાયરેક્ટર જનરલ પ્રશાંત કુમારે ખુદ મૈનપુરીના એસપી પાસેથી મામલાની માહિતી લીધી હતી. પ્રશાંત કુમારે જણાવ્યું કે આરોપી યુવકનું નામ સોહવીર યાદવ છે. મોડી રાત્રે સોહવીરે તેના બે ભાઈઓ, એક ભાભી, ભાભી અને અન્ય એક યુવકની ફરસીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. ઘટના સમયે તમામ લોકો સૂઈ ગયા હતા અને ત્યારે યુવકે તેના પરિવારના સભ્યો પર હુમલો કર્યો હતો. હત્યા કરનાર યુવકે તેની પત્ની અને પિતા પર પણ હુમલો કર્યો હતો. જેઓની હાલત હજુ પણ નાજુક છે.
એસડીજી પ્રશાંત કુમારે જણાવ્યું કે ગામમાં ભારે પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે. મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ મામલાની જાણ થતા જ પોલીસ તેમજ ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવા પહોચી ગઈ હતી. મૈનપુરીના એસપી પોતે ઘટનાસ્થળે ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર મામલાની તપાસ ઉભા રહીને કરાવી હતી. જો કે હત્યા પાછળનું કારણ શું હતુ તે હજુ સુધી જાણી શકાયુ નથી. ત્યારે આ મામલે હત્યાનું કારણ જાણવા આરોપીના પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ કિશની પોલીસ સ્ટેશન વિસ્તારના ગોકુલપુર ગામના રહેવાસી સુભાષ યાદવનો પુત્ર સોહવીર યાદવ નોઈડામાં રહે છે. તે નોઈડામાં જ પોતાનું કોમ્પ્યુટર સેન્ટર ચલાવે છે. ગત ગુરુવારે સુભાષ યાદવના નાના પુત્ર સોનુના લગ્નનો વરઘોડો નીકળ્યો હતો, જેથી સોહવીર પણ તેના ભાઈના લગ્નમાં હાજરી આપવા માટે થોડા દિવસ પહેલા ગામમાં આવ્યો હતો. શુક્રવારે ઇટાવાથી પરણીને પરત ફર્યા હતા.
રાત્રે ઘરમાં જમવાના કાર્યક્રમ પછી લગભગ ૧૧ વાગ્યા સુધી નાચ-ગાનનો કાર્યક્રમ ચાલ્યો હતો. આ પછી બધા સૂઈ ગયા હતા. જે બાદ સોનુ અને તેની પત્ની ઘરના ટેરેસ પર સૂતા હતા, જ્યારે નાનો ભાઈ ભુલન અને તેનો મિત્ર દીપક, ફિરોઝાબાદનો રહેવાસી, સાળો સૌરભ નીચે સૂઈ રહ્યો હતો.