ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં ૨૪ લોકોનાં મૃત્યુ થયાં હોવાના અહેવાલ છે. ગ્રામજનો અને પોલીસ-કર્મચારીઓ રાહત અને બચાવ-કામગીરીમાં લાગેલા છે. મળતી માહિતી મુજબ શનિવારે સવારે ૧૦ વાગ્યે કાસગંજના પટિયાલી દરિયાવ ગંજ રોડ પર એક અનિયંત્રિત ટ્રૅક્ટર ટ્રૉલી તળાવમાં પડી ગઈ હતી.
મુંડન સંસ્કાર પછી ગંગા નદીમાં સ્નાન કરવા માટે તેઓ જઈ રહ્યા હતા ત્યારે ટ્રેક્ટર ટ્રૉલીનું કપલિંગ તૂટી જતાં અકસ્માત થયો હતો. નજીકના ગ્રામજનો અને પોલીસ-કર્મચારીઓ રાહત અને બચાવ-કામગીરીમાં લાગી ગયા હતા. તળાવમાંથી બચાવાયેલા શ્રદ્ધાળુઓને પટિયાલીના આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધી ૨૪ શ્રદ્ધાળુઓનાં મૃત્યુ થયાં છે. મરનારાઓમાં ૧૩ મહિલાઓ અને ૮ બાળકોનો સમાવેશ છે. શ્રદ્ધાળુઓ એટા જિલ્લાના કાહા ગામના હોવાનું કહેવાય છે.
સીએમઓ રાજીવ અગ્રવાલે જણાવ્યું કે આ અકસ્માતમાં ૨૪ લોકોનાં મૃત્યુ થયાં છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અકસ્માત પર શોક વ્યક્ત કરતાં સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે ‘કાસગંજ જિલ્લામાં માર્ગ-અકસ્માતમાં જાનહાનિ અત્યંત હૃદયદ્રાવક છે. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને તમામ ઘાયલોને યોગ્ય મફત સારવાર આપવા સૂચના આપવામાં આવી છે. ભગવાન શ્રીરામ મૃત આત્માઓને શાંતિ આપે અને ઘાયલોને ઝડપથી સાજા કરે એવી પ્રાર્થના.’