લખનૌ, મોદી સરકારના બીજા કાર્યકાળમાં ભાજપે ઉત્તર પ્રદેશના તમામ મંત્રીઓ પર ફરીથી વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તમામ મંત્રીઓને પોતપોતાના લોક્સભા મતવિસ્તારમાંથી ફરીથી ટિકિટ આપવામાં આવી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, મહિલા કલ્યાણ અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની, ભારે ઉદ્યોગ પ્રધાન મહેન્દ્રનાથ પાંડે, કેન્દ્રીય રાજ્ય પ્રધાન પંકજ ચૌધરી તેમની બેઠકો પર ફરીથી ચૂંટણી લડશે. એ જ રીતે મંત્રીઓ એસપી સિંહ બઘેલ, કૌશલ કિશોર, સાવી નિરંજન જ્યોતિ, ભાનુ પ્રતાપ વર્મા, અજય મિશ્રા ટેની, સંજીવ બાલિયાનને બીજી તક આપવામાં આવી છે. આ વખતે અજય મિશ્રા ટેની ટીકીટ વિવાદોમાં ફસાવવાના કારણે કેન્સલ થાય તેવું લાગી રહ્યું છે. વિવાદ હોવા છતાં પાર્ટીએ ફરી તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જો કે, આ કિસ્સામાં એક અપવાદ છે. મોદી સરકારમાં મંત્રી રહેલા અપના દળ એસના નેતા અનુપ્રિયા પટેલની બેઠક પર હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. શક્ય છે કે અનુપ્રિયાનું નામ આવનારી યાદીમાં હોય. તેમની લોક્સભા સીટ બદલાય તેવી પણ શક્યતા છે.
૨૦૨૧માં લખીમપુર ખેરીમાં ખેડૂતોના વિરોધ દરમિયાન થયેલી હિંસાને કારણે વિવાદમાં આવેલા કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીને ભાજપે ફરીથી મેદાનમાં ઉતાર્યા છે. ટેનીનો પુત્ર આશિષ મિશ્રા હાલમાં આ વિવાદાસ્પદ કેસમાં જામીન પર બહાર છે. તે દરમિયાન વિપક્ષી પાર્ટીઓ સાથે ખેડૂત સંગઠનોએ ટેનીને મંત્રી પદેથી હટાવવાની માંગ કરી હતી. લખીમપુર અને તેની આસપાસના ત્રણ-ચાર લોક્સભા મતવિસ્તારોમાં ટેનીનો પ્રભાવ છે. આ કારણે પાર્ટીએ તે સમયે પણ તેમને મંત્રી પદ પરથી હટાવ્યા ન હતા. હવે તેમને ફરીથી ટિકિટ આપીને પાર્ટીએ કોઈપણ દબાણમાં ન આવવાનો સંકેત આપ્યો છે.
ભાજપે હાલમાં જ બસપામાંથી આવેલા આંબેડકર નગરના સાંસદ રિતેશ પાંડેને આ બેઠક પરથી પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સરકારમાં મંત્રી રહી ચૂકેલા કૃપાશંકર સિંહને જૌનપુરથી ટિકિટ આપવામાં આવી છે. કૃપા શંકર પહેલેથી જ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે.