લખનૌ, ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌના પોલીસ કંટ્રોલ રૂમમાં આવેલા એક કોલથી ખળભળાટ મચી ગયો હતો. આ કોલમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. પોલીસ આ કેસની તપાસમાં વ્યસ્ત છે. આ કોલ શનિવારે પોલીસ કંટ્રોલ રૂમના સીયુજી નંબર પર આવ્યો હતો. આ પછી, કંટ્રોલ રૂમમાં તૈનાત હેડ કોન્સ્ટેબલે તરત જ ધમકીભર્યા નંબર વિશે ફરિયાદ નોંધાવી હતી.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. લખનૌના પોલીસ કંટ્રોલ રૂમમાં સીયુજી નંબર પર કોલ આવ્યો હતો. જેમાં એક અજાણ્યા યુવકે સીએમ યોગીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ મામલે લખનૌ કોતવાલીમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
નોંધાયેલી એફઆઈઆર મુજબ, ફરિયાદી હેડ કોન્સ્ટેબલ ઉધમ સિંહે જણાવ્યું કે પોલીસ કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો. જેમાં એક અજાણ્યા યુવકે કહ્યું કે સીએમ યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. આ પ્રકારનાં ભેદી ફોન કોલથી સમગ્ર વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. આવો કોલ કરીને પોલીસ કંટ્રોલ રૂમને ધમકી આપનાર વ્યક્તિની ઝડપી શોધખોળ હાથ ધરી છે.
જો કે આ કંઇ પહેલી વખત નથી કે મુખ્યમંત્રીને આ પ્રકારનો ફોન આવ્યો હોય. આ પહેલા પણ સીએમ યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી ચૂકી છે. ગયા વર્ષે પણ એક યુવકે સોશિયલ મીડિયા હેન્ડલ એકસ દ્વારા મુખ્યમંત્રીને મારી નાખવાની ધમકી આપી હતી, ત્યારબાદ પોલીસે તેની મુંબઈથી ધરપકડ કરી હતી. આરોપી ભદોહીનો રહેવાસી હતો. ધમકી બાદ સીએમ યોગીની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. તો બીજી તરફ પોલીસ આરોપીનો નંબર ટ્રેસ કરીને તેને શોધવામાં વ્યસ્ત છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.