બરેલી,ઉત્તર પ્રદેશના બરેલી શહેરથી ૨૦ કિમી દૂર ફરિદપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જેડે ગામ પાસે બુધવારે મોડી સાંજે એક ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં ૪ મજૂરોના કરૂણ મોત નિપજ્યા હતા જ્યારે ૪ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગુરુવારે આ ઘટના અંગે માહિતી આપતા ફરીદપુરના પોલીસ અધિકારી ગૌરવ સિંહે જણાવ્યું હતું કે ભીષણ આગને કારણે ગોડાઉનમાં કામ કરતા ૪ મજૂરો ફસાઈ ગયા હતા અને સળગી જવાને કારણે મૃત્યુ પામ્યા હતા.
દ્વિવેદીએ જણાવ્યું હતું કે ફેક્ટરીના વેરહાઉસમાં ફોમ મેટ્રેસ, પ્લાસ્ટિક ફનચર અને અન્ય ફોમ વસ્તુઓ બનાવવામાં આવે છે. બુધવારે મોડી સાંજે શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી અને તે ઝડપથી ફેલાઈ હતી, એમ તેમણે જણાવ્યું હતું. જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે આગના સમાચાર મળતાં જ ફેક્ટરીનું મેનેજમેન્ટ પહોંચી ગયું અને પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી. પોલીસ અધિક્ષક (ગ્રામીણ) રાજ કુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે ઘણા ફાયર ટેન્ડરો સ્થળ પર દોડી આવ્યા હતા અને તેમને આગને કાબૂમાં લેવામાં ઘણો સમય લાગ્યો હતો.
અકસ્માતમાં માર્યા ગયેલા ત્રણ મજૂરોની ઓળખ ૨૫ વર્ષીય અનૂપ, ૩૨ વર્ષીય અરવિંદ કુમાર મિશ્રા અને ૨૭ વર્ષીય રાકેશ તરીકે થઈ છે. અન્ય મૃતકોની ઓળખ માટે પ્રયાસો ચાલુ છે. સિંહે જણાવ્યું કે ૪ અન્ય મજૂરો પપ્પુ સિંહ, બબલુ, જિતેન્દ્ર અને દેશરાજ આગમાં ગંભીર રીતે દાઝી ગયા છે અને તેમને બરેલીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત સમયે કારખાનામાં ૫૦ કામદારો કામ કરી રહ્યા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટ શિવકાંત દ્વિવેદીએ કહ્યું કે ઘટનાની ટેકનિકલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.