નવીદિલ્હી, દેશના ઘણા ભાગોમાં તાપમાનમાં ઝડપી વૃદ્ધિ સાથે કાળઝાળ ગરમીનું મોજું ફરી વળ્યું છે. રાજધાની દિલ્હીમાં મંગળવારે મહત્તમ તાપમાન ૩૫.૮ ડિગ્રી સેલ્સિયસ હતું જ્યારે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, ઝારખંડ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને પ.બંગાળમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ચૂક્યો છે.
ઓડિશા સરકારે શનિવાર સુધી અંગ દઝાડતી ગરમી પડવાની હવામાન ખાતાની આગાહીને ધ્યાનમાં રાખીને આજથી ત્રણ દિવસ સુધી (૧૮થી ૨૦ એપ્રિલ) રાજ્યની તમામ સ્કૂલો બંધ રહેવાની બુધવારે જાહેરાત કરી. રાજ્યના શિક્ષણ વિભાગે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ભીષણ ગરમી અને દિવસના તાપમાનમાં વધારાને યાનમાં રાખીને સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિત તમામ સ્કૂલો ત્રણ દિવસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
બીજી તરફ બિહારના કેટલાક ભાગોમાં અસહ્ય ગરમી અને લૂની સ્થિતિના કારણે રાજ્યના ૯ જિલ્લામાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યો છે. રાજ્યના મુખ્ય સચિવે ગરમી અને લૂની સ્થિતિની સમીક્ષા કરવા ઇમરજન્સી મેનેજમેન્ટ ગ્રૂપની બેઠક બોલાવી હતી. દેશની આથક રાજધાની મુંબઇમાં પણ ગરમીનું પ્રમાણ વયું છે. હવામાન વિભાગે મુંબઇ તથા થાણે અને રાયગઢ જિલ્લાઓમાં લૂની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ત્રણેય જિલ્લામાં મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે.
કર્ણાટકમાં પણ તાપમાન વધી રહ્યું છે. પાટનગર બેંગલુરુમાં ગરમીથી રાહત મળવાની હાલ કોઈ શક્યતા નથી. સોમવારે હવામાન વિભાગે આ મોન્સૂનમાં સરેરાશથી વધુ વરસાદની આગાહી કરી હતી, જે દેશના કૃષિ ક્ષેત્ર માટે સારા સમાચાર છે. મોન્સૂન સામાન્ય રીતે પહેલી જૂન આસપાસ કેરળ પહોંચે છે અને સપ્ટેમ્બરના મયમાં વિદાય લે છે. આ વર્ષે સરેરાશ ૧૦૬ ટકા વરસાદની શક્યતા છે. દરમિયાન, હિમાચલપ્રદેશના લાહૌલ સ્પીતિમાં પોલીસે હિમપ્રપાતની ભીતિ સાથે લોકોને ચંદ્રા નદીથી દૂર રહેવા અપીલ કરી હતી અને ઢોળાવ તથા બરવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા સલાહ આપી હતી. પોલીસે જણાવ્યું કે હિમવર્ષા અને વરસાદને કારણે મંગળવારે સવારે હિમસ્ખલનથી ચંદ્રા નદીનો પ્રવાહ અવરોધાયો હતો પરંતુ હવે સુધારી લેવાયો છે. પરિણામે નદીમાં જળસ્તર વધવાથી લોકોને નદીથી દૂર રહેવા સલાહ અપાઈ છે.