
આઝમગઢ,
દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસની તર્જ પર ઉત્તર પ્રદેશમાં પણ આવો જ એક હત્યાનો મામલો સામે આવ્યો છે. અહીં પણ એક માથા ફરેલ પ્રેમીએ પોતાની ગર્લફ્રેન્ડ સાથે અન્ય જગ્યાએ લગ્ન કરી લેવાથી ગુસ્સે થઈને તેની હત્યા કરી નાખી અને તેની લાશના છ ટુકડા કરી નાખ્યા હતા. બાદમાં અલગ-અલગ જગ્યાએ ફેંકવામાં આવ્યા હતા. શ્રદ્ધા મર્ડર કેસની જેમ જ આ કંપાવનારી ઘટના ઉત્તર પ્રદેશ રાજ્યના આઝમગઢ જિલ્લામાં સામે આવી છે. અહીંના અહરૌલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માથા ફરેલ પ્રેમીએ પહેલા પ્રેમિકાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. બાદમાં શેરડીના ખેતરમાં તેના છ ટુકડા કરવામાં આવ્યા હતા.
પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અનુરાગ આર્યએ જણાવ્યું કે, ૧૬ નવેમ્બરે ગૌરીના પૂરા ગામની રોડ કિનારે એક છોકરીની લાશના અનેક ટુકડાઓમાં મળી આવ્યા હતા. છોકરીની ઓળખ આરાધના તરીકે થઈ હતી, જે વિસ્તારના ઈશકપુર ગામના રહેવાસી કેદાર પ્રજાપતિની પુત્રી છે. પોલીસે આ કેસની દરેક કડી જોડીને હત્યાના મુખ્ય આરોપી પ્રિંસ યાદવની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન તેણે હદયને હચમચાવી નાખે તેવી સત્યતા જાહેર કરી છે.