યુપીમાં મોસ્ટ વોન્ટેડ મોહમ્મદ ગુફરાનનું એન્કાઉન્ટર , ૧.૨૫ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરાયું હતું

લખનૌ, કૌશામ્બીના મંઝાનપુરમાં સમાદા સુગર મિલ પાસે યુપી એસટીએફના એન્કાઉન્ટરમાં મોહંમદ ગુફરાન નામનો ગુનેગાર માર્યો ગયો છે. તેના પર ૧,૨૫,૦૦૦ રૂપિયાનું ઈનામ હતું. ગુફરાન સવારે ૫ વાગ્યે કૌશામ્બી જિલ્લાના સમાદા વિસ્તારમાં SIF સાથેના એન્કાઉન્ટર માં માર્યો ગયો હતો. એસપી કૌશામ્બી બ્રિજેશ શ્રીવાસ્તવે આ વાતની પુષ્ટિ કરી છે. એન્કાઉન્ટર સ્થળ પરથી એક ૯ એમએમ કાર્બાઈન, એક ૩૨ બોરની પિસ્તોલ, એક અપાચે બાઇક મળી આવી છે.

પોલીસના જણાવ્યાં અનુસાર ગુફરાન હત્યા, લૂંટ, હત્યાનો પ્રયાસ જેવા ૭ કેસમાં વોન્ટેડ હતો અને એડીજી પ્રયાગરાજે ગુફરાન પર એક લાખનું ઈનામ રાખ્યું હતું. સુલતાનપુર પોલીસ તરફથી ગુફરાન પર ૨૫ હજાર રૂપિયાનું ઈનામ હતું. ગુફરાન પર પ્રતાપગઢ, સુલતાનપુર જિલ્લામાં ૧૩ થી વધુ કેસ નોંધાયા હતા. કૌશામ્બીના પોલીસ સ્ટેશન કોતવાલીના સમાદા વિસ્તારમાં પોલીસ અને ગુંડાઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું અને આ દરમિયાન એક બદમાશ ગુફરાનને ગોળી વાગી હતી જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

પ્રતાપગઢમાં ૨૪ એપ્રિલે એક મોટી લૂંટની ઘટના બની હતી, જેમાં ગુફરાન પણ સામેલ હતો. આ ઘટના બાદ પોલીસની ઘણી ટીમો આરોપીઓને શોધી રહી હતી. પોલીસને ગુફરાન કૌશામ્બીમાં છુપાયો હોવાની માહિતી મળી હતી. આ પછી પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું અને એક્ધાઉન્ટરમાં તેને ઠાર કર્યો હતો.