ઉત્તર પ્રદેશ: જાતિ આધારિત વસતી ગણતરીના સમર્થનમાં આવ્યા કેશવ પ્રસાદ મૌર્ય

લખનૌ,

ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ જાતિ આધારિત વસતી ગણતરી માટે પોતાનું સમર્થન જાહેર કરીને રાજ્યના રાજકારણમાં નવી હલચલ મચાવી દીધી છે. જાતિ આધારિત વસતી ગણતરીને સમર્થન આપનાર ભારતીય જનતા પાર્ટીના તેઓ પ્રથમ નેતા છે. હાલમાં બિહારમાં રાજ્ય સરકાર દ્વારા જાતિ આધારિત વસતી ગણતરી કરવામાં આવી રહી છે અને બિહાર સરકારના આ નિર્ણય બાદ ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં જાતિ આધારિત વસતી ગણતરી કરાવવાની માંગ કરવામાં આવી રહી છે.

ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ ઉન્નાવના નવાબગંજમાં એક કાર્યક્રમ બાદ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે તેઓ જાતિ આધારિત વસતી ગણતરીના પક્ષમાં છે. જો કે, અગાઉ તેમણે એમ પણ કહ્યું હતું કે, જ્યારે સપા અને બસપાના સમર્થનથી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે આ પક્ષોએ આને મુદ્દો કેમ ન બનાવ્યો.

આ સાથે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ પણ અખિલેશના શુદ્ર નિવેદન પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, સમાજવાદી પાર્ટીનું આ સમયે અભિયાન ચાલી રહ્યું છે. જેમ દૂધમાં લીંબુ નાખીને ફાડવાનું કામ કરે છે તેવી જ રીતે તેઓ સમાજમાં ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે પરંતુ તેમનું આ ષડયંત્ર સફળ નહીં થાય. તેમણે કહ્યું કે હું મારી જાતને હિંદુ માનું છું. હું ગર્વથી કહું છું કે હું હિંદુ છું. મૌર્યએ કહ્યું કે હું રામચરિતમાનસમાં માનું છું. મેં અખંડ માનસનો પાઠ કરું છું. હમણાં જ માતાજી અને હનુમાનજી દર્શન કર્યા છે. રામલલાના ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે હું શ્રી રામ જન્મભૂમિનો સૈનિક રહ્યો છું. તેઓ ઝેર ફેલાવશે પણ હું સમાજમાં ભાગલા નહીં થવા દઉં.