યુપી-બિહારમાં વરસાદ-વીજળીનો કહેર, 83નાં મોત:10 રાજ્યમાં વાવાઝોડાં અને વરસાદની આગાહી, ઘણાં રાજ્યોમાં હીટવેવનું એલર્ટ

દેશમાં હવામાનનું બેવડું વલણ ચાલુ છે. એક તરફ તીવ્ર ગરમી છે અને બીજી તરફ વાવાઝોડું અને વરસાદનો કહેર છે. 10 એપ્રિલે યુપી-બિહારમાં વાવાઝોડાને કારણે 83 લોકોનાં મોત થયાં હતાં. આમાંથી 61 મૃત્યુ બિહારમાં અને 22 મૃત્યુ યુપીમાં થયાં હતાં.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે પણ જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, કેરળ, તામિલનાડુ, આસામ, મેઘાલયમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. વીજળી પડવાની ચેતવણી પણ છે. ભારે વરસાદની પણ શક્યતા રહેશે. ગુરુવારે ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટ્યું હતું.

દેશમાં પણ કાળઝાળ ગરમી પડી રહી છે. મોટા ભાગનાં રાજ્યોમાં ગુરુવારે દિવસનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું. રાજસ્થાનના બાડમેરમાં સૌથી વધુ 44.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજે પણ દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, ઓડિશા અને ઉત્તરપ્રદેશમાં તાપમાનનો પારો 35 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહેશે. રાજસ્થાન-ગુજરાતમાં એ 40-43°C સુધી જઈ શકે છે. દિલ્હીમાં પણ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની નજીક રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજસ્થાનના જેસલમેર-બાડમેર, ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ, પશ્ચિમ યુપી, હરિયાણા, પંજાબ, સમગ્ર દિલ્હી-એનસીઆરમાં લૂ ફુંકાશે. મધ્યપ્રદેશના 30 જિલ્લામાં ગરમીનું એલર્ટ છે. દક્ષિણનાં રાજ્યોમાં ગરમીનાં મોજાં માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આગામી બે દિવસ માટે હવામાનની આગાહી…

12 એપ્રિલ

  • ગરમી અને લૂ ફૂંકાશે: ઉત્તર-પશ્ચિમ ભારત (રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ)માં તાપમાન 40-45 ડિગ્રીની આસપાસ રહેશે અને લૂ ફુંકાવાનું ચાલુ રહેવાની શક્યતા છે. દિલ્હી-એનસીઆરમાં 38-40 ડિગ્રી તાપમાન સાથે હળવી લૂ ફૂંકાવાની શક્યતા છે.
  • વરસાદ: હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીરમાં હળવાથી મધ્યમ વરસાદ. પૂર્વોત્તર (આસામ, મેઘાલય) અને દક્ષિણ (કેરળ, તામિલનાડુ)માં પણ વરસાદની શક્યતા છે.
  • વાવાઝોડું: ખાસ કરીને રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશાથી પવન ફૂંકાશે અને વાવાઝોડું આવશે.
  • વીજળી: હિમાચલ, ઉત્તરાખંડ અને પૂર્વ ભારત (બિહાર, ઝારખંડ)માં વીજળી અને ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ.

13 એપ્રિલ

  • ગરમી અને લૂ ફૂંકાશે, ગરમીની અસર રહેશે, રાજસ્થાન-ગુજરાતમાં પારો 42-43 ડિગ્રી સુધી પહોંચશે. દિલ્હીમાં 37-38 ડિગ્રી રહેશે.
  • વરસાદ: ઉત્તર-પશ્ચિમ (પંજાબ, હરિયાણા, દિલ્હી)માં હળવો વરસાદ રાહત લાવે છે. દક્ષિણ અને ઉત્તર-પૂર્વમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ છે.
  • વાવાઝોડું: જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. મધ્ય ભારતમાં હળવી આંધીની શક્યતા છે.
  • વીજળી: ઉત્તરાખંડ, બિહાર અને ઓડિશામાં વીજળી પડવાની શક્યતા રહેશે.

રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં પણ હવામાનમાં ફેરફાર જોવા મળ્યો. રાજસ્થાનમાં ભારે ધૂળની આંધી અને વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. રાજસ્થાનનાં 15 શહેરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીથી ઉપર રહ્યો. બાડમેરમાં સૌથી વધુ તાપમાન 44.3 ડિગ્રી નોંધાયું હતું.

ગુજરાતનાં ચાર શહેરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર કરી ગયો. અમદાવાદમાં મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 42.8, ગાંધીનગરમાં 43.2 અને રાજકોટમાં 43 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગુરુવારે સાંજે દિલ્હી અને NCRમાં ધૂળનું તોફાન આવ્યું. રોહિણીમાં હળવી ઝરમર વરસાદ બાદ લોકોને ગરમીથી રાહત મળી.

એપ્રિલમાં તાપમાન સામાન્ય કરતાં 2-4 ડિગ્રી વધારે રહેવાની ધારણા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે એપ્રિલથી જૂન દરમિયાન તાપમાન સામાન્ય કરતાં 2-4 ડિગ્રી વધારે રહી શકે છે. રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને ઉત્તર ભારતમાં ગરમીના દિવસો 10-11 સુધી વધી શકે છે, જે સામાન્ય કરતાં બમણું છે.

જમ્મુ-કાશ્મીરના મેદાની વિસ્તારોમાં, જેમ કે જમ્મુ, તાપમાન 35-38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જે એપ્રિલ મહિના માટે સામાન્ય કરતાં વધુ છે. પહાડી વિસ્તારોમાં (શ્રીનગર, ગુલમર્ગ) તાપમાન લગભગ 20-25°C રહેશે. 10-15 એપ્રિલ દરમિયાન અહીં હળવી ગરમીની સ્થિતિ રહી શકે છે.

હિમાચલ પ્રદેશ, શિમલા અને મનાલી જેવા પહાડી વિસ્તારોમાં તાપમાનનો પારો 20-28°Cની આસપાસ રહેશે, પરંતુ મેદાની વિસ્તારોમાં (ઉના, બિલાસપુર) એ 35-40°C સુધી વધી શકે છે. એપ્રિલની શરૂઆતથી અહીંનું તાપમાન સામાન્ય કરતાં 2-3°C વધારે રહ્યું છે. 11 એપ્રિલ સુધી અહીં ગરમીનું યલો એલર્ટ છે.

ઉત્તરાખંડના નીચાણવાળા વિસ્તારોમાં, જેમ કે દેહરાદૂન-હરિદ્વારમાં તાપમાન 35-39°C સુધી પહોંચશે. નૈનિતાલ, મસૂરી જેવા પહાડી વિસ્તારોમાં તાપમાન 25-30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે, જે સામાન્ય કરતાં થોડું વધુ છે. આ જિલ્લાઓમાં 12 એપ્રિલ સુધી લૂ ફૂંકાવાની ચાલુ રહેશે.