
નવી દિલ્હી,
દિલ્હી-એનસીઆરથી લઈને ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી ધીમે ધીમે હવે ઠંડી પોતાની અસલી રંગ દેખાડવાનું શરુ કરી દીધું છે. પહાડો પર થઈ રહેલી બરફવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં દેખાઈ રહી છે અને હવે કડકડતી ઠંડી પણ લાગી રહી છે. એટલું જ નહીં ઉત્તર ભારતમાં શીતલહેરે પણ દસ્તક દઈ દીધી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી ૩ દિવસ દરમિયાન ઉત્તર પશ્ર્ચિમી ભારતના અમુક વિસ્તારમાં શીતલહેરની સ્થિતિ બની રહેશે.તો વળી દક્ષિણ ભારતના અમુક વિસ્તારોમાં આજે પણ વરસાદ થવાની સંભાવના છે. તો વળી ઠંડીની વાત કરીએ તો, ઉત્તર ભારતમાં હવે ઠંડી બરાબરની પડી રહી છે.આવનારા દિવસોમાં ૨-૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો આવશે. આગામી દિવસોમાં હિમાચલ પ્રદેશ, પંજાબ અને ઉત્તરી રાજસ્થાનના અલગ અલગ ભાગોમાં ઠંડીની લહેર બની રહેશે. માનવામાં આવી રહ્યું છે કે, બિહાર, ઝારખંડ. યૂપી અને ઉત્તરાખંડમાં પણ તાપમાનમાં ઘટાડો જોવા મળશે અને ક઼ડક઼ડતી ઠંડી જોવા મળશે.
હવામાન સંબંધિત જાણકારી આપતી વેબસાઈટ સ્કાઈમેટ વેદરના જણાવ્યા અનુસાર, આજે તમિલનાડૂના ચેન્નાઈ, અંડમાન અને નિકોબાર દ્વિપ સમૂહના દક્ષિણી દ્વિપોમાંથી એક અથવા બે સ્થાન પર હળવાથી મધ્યમ વરસાદ થવાની શકયતા છે. બાકી દેશમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. ઉત્તર પશ્ર્ચિમી શુષ્ક અને ઠંડી હવા દેશના ઉત્તર-પશ્ર્ચિમ, મધ્ય અને પૂર્વી ભાગમાં ચાલુ રહેશે. જેનાથી દિવસ અને રાતના તાપમાનમાં ઘટાડો થશે.