યુપી-બિહાર સહિત દેશના ઘણા રાજ્યોમાં હજુ પણ ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે

નવીદિલ્હી, ઠંડા પવનોને કારણે દિલ્હી-એનસીઆરમાં ઠંડી વધી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૨૪ કલાક દરમિયાન હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણા-ચંદીગઢ-દિલ્હીના વિવિધ ભાગોમાં કોલ્ડવેવની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે. આગામી ૩ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં ૧૫-૨૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી, ઉત્તરાખંડના મેદાની વિસ્તારો, ઉત્તર રાજસ્થાન અને ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં લઘુત્તમ તાપમાન ૦૬-૧૦ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યું, જે સામાન્ય કરતાં ઓછું છે. આગામી ૨૪ કલાક દરમિયાન અહીં ઠંડીથી રાહત મળવાની કોઈ આશા નથી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સવારે ઉત્તર મધ્ય પ્રદેશ, બિહાર, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ અને ઓડિશાના અલગ-અલગ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું.આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં ૮ અને ૯ ફેબ્રુઆરીના રોજ સવારે ગાઢ ધુમ્મસ છવાયેલ રહેવાની શક્યતા છે.

પંજાબ અને હરિયાણાના મોટાભાગના વિસ્તારોમાં શીત લહેર યથાવત છે. કરનાલનું લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી નોંધાયું હતું જે હરિયાણા-પંજાબમાં સૌથી ઓછું છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ, પંજાબના અમૃતસરમાં લઘુત્તમ તાપમાન ૫.૫ ડિગ્રી સેલ્સિયસના કારણે ધ્રૂજતી ઠંડી અનુભવાઈ હતી, જ્યારે લુધિયાણા અને પટિયાલામાં પણ તાપમાન સામાન્ય કરતા ત્રણ ડિગ્રી ઓછું અનુક્રમે ૬.૯ અને ૫.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

હિમાચલ પ્રદેશના ઘણા ભાગોમાં હિમવર્ષા અને વરસાદને કારણે મંગળવારે ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત ૪૭૦ થી વધુ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, ૪૭૩ રસ્તાઓ પરનો વાહનવ્યવહાર થંભી ગયો હતો અને ૩૯૮ ટ્રાન્સફોર્મર અને ૩૮ પાણી પુરવઠા યોજનાઓ ખોરવાઈ ગઈ હતી. સ્થાનિક હવામાન વિભાગે આગામી છ દિવસ એટલે કે ૧૨ ફેબ્રુઆરી સુધી રાજ્યમાં શુષ્ક હવામાન રહેવાની આગાહી કરી છે.

કાશ્મીરમાં મોટાભાગના સ્થળોએ તાપમાન ઠંડું બિંદુથી નીચે જવા સાથે ઘાટીમાં શીત લહેરની અસર ચાલુ છે. દક્ષિણ કાશ્મીરનું પહેલગામ ગઈકાલે રાત્રે ઘાટીમાં સૌથી ઠંડુ સ્થળ હતું. અહીં લઘુત્તમ તાપમાન માઈનસ ૧૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઉત્તર કાશ્મીરના ગુલમર્ગમાં ગઈકાલે રાત્રે તાપમાન માઈનસ ૧૦.૫ ડિગ્રી સેલ્સિયસ હતું, જે આગલી રાત્રે માઈનસ ૧૦ ડિગ્રી સેલ્સિયસ હતું.