યુપીની ૧૫ હૉસ્પિટલો પીપીપી મોડેલ પર કામ કરશે, યોગી સરકાર ટૂંક સમયમાં નિર્ણય કરશે

લખનૌ, ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર હવે પીપીપી મોડલ પર સરકારી હૉસ્પિટલો ચલાવવાનું શરૂ કરવા જઈ રહી છે. વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોગ્ય વિભાગે હૉસ્પિટલોમાં દર્દીઓને વધુ સારી સેવાઓ આપવાના ઉદ્દેશ્ય સાથે ખાનગી-જાહેર-ભાગીદારી (પીપીપી) મોડમાં કેટલાક સામુદાયિક આરોગ્ય કેન્દ્રો ચલાવવાનો નિર્ણય કર્યો છે.

આ અંગેનો પ્રસ્તાવ ટૂંક સમયમાં યુપી કેબિનેટમાં મૂકવામાં આવશે, જેની મંજૂરી બાદ સુવિધાઓના નામ જાહેર કરવામાં આવશે. કેબિનેટની દરખાસ્તને મંજૂરી મળ્યા પછી, પસંદ કરેલ ૧૫ સીએચસી પીપીપી મોડ પર ચલાવવામાં આવશે. પ્રસ્તાવમાં જણાવાયું છે કે પીપીપી મોડ પર આપવામાં આવનાર સીએચસીને બિડિંગ માટે બહાર મૂકવામાં આવશે. બિડરે સીએચસીમાં જે સુવિધાઓ માટે તેઓ બિડ કરવા માગે છે તે સુવિધાઓનું ભૌતિક રીતે નિરીક્ષણ કરશે. અધિકારીઓએ કહ્યું કે સીએચસીમાં પૂરી પાડવામાં આવતી તમામ સેવાઓ ચલાવવાની જરૂર છે. જો સાધનસામગ્રીના સંદર્ભમાં કોઈ ખામી હોય, તો તે દૂર કરવામાં આવશે.

હાલમાં જે હૉસ્પિટલોને આ યોજના હેઠળ સામેલ કરવાની વાત કરવામાં આવી રહી છે તેમાં કુશીનગરમાં ખડ્ડા સીએચસી, વારાણસીમાં ગાજોખાર, શ્રાવસ્તીમાં મલ્હીપુર, ચિત્રકૂટમાં રાજાપુર, લખનઉમાં નાગ્રામ, ગોરખપુરમાં બેલાઘાટનો સમાવેશ થાય છે. આ સિવાય કેટલીક અન્ય હોસ્પિટલોને પણ આમાં સામેલ કરી શકાય છે.

કેબિનેટની મંજૂરી મળ્યા બાદ જ ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. દર્દીને સેવાઓ મફતમાં મળવાનું ચાલુ રહેશે અથવા દર્દીઓ અન્ય સીએચસીમાં ચૂકવે છે તેટલા જ ચાર્જ ચૂકવવાના રહેશે. સરકાર પ્રાઈવેટ પાર્ટનરને દર્દી દીઠ એક નિશ્ર્ચિત ફી ચૂકવશે.