ઊંઝા એપીએમસીમાં રૂ.૧૫ કરોડનું કૌભાંડ

એશિયાના સૌથી મોટા ઊંઝા માર્કેટયાર્ડમાં નોકરી કરતા કર્મચારીએ જ સંસ્થાના સત્તાવાળાઓ દ્વારા સેસના કલેક્શન પેટે આવતા રૂપિયા બારોબાર ઘર ભેગા કરી દઈ ૧પ કરોડથી વધુનું કૌભાંડ આચર્યું હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. સીસીટીવી કેમેરાની રેકોર્ડિંગ સાથે કરાયેલા આ ઘટસ્ફોટ સાથે આખા કૌભાંડની લેખિત અરજી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગૃહ પ્રધાન, પોલીસ વડા સહિતના નેતાઓ અને અધિકારીઓને કરાતા સહકારી ક્ષેત્રના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કથિત કૌભાંડનો પર્દાફાશ સંસ્થાના જ કર્મચારીએ કરતાં એપીએમસીમાં અફરાતફરી મચી ગઈ છે. અત્યાર સુધીમાં અંદાજિત ૧પ કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ કરી માર્કેટયાર્ડ, વેપારીઓ અને ખેડૂતો સાથે ઠગાઈ કરી હોવાનો આક્ષેપ સેસ વિભાગમાં જ ફરજ બજાવતાં કાયમી કર્મચારી સૌમિલ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. હાલ સત્તાવાળાઓએ કૌભાંડની વાત પર સ્પષ્ટતા કરવાની જગ્યાએ કર્મચારીને જ ભીંસમાં લેવા પહેલા તેને કારણદર્શક નોટિસ ફટકારી અને હવે તેના વિરુદ્ધ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ કરી છે.

ઊંઝા એપીએમસીમાં નવા સત્તાધીશો સવા વર્ષ પહેલાં જ સત્તા ઉપર બેઠા હતા. હવે કર્મચારીના આક્ષેપોથી ઊંઝા સહિત ઉત્તર ગુજરાતના સહકારી ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. કેમેરા  રેકોર્ડિંગ બહાર આવ્યા પછી ચેરમેન તરીકે દિનેશ પટેલ અને સેક્રેટરી વિષ્ણુ પટેલની ભૂમિકા પર પણ સવાલો ઊભા થાય છે. યાર્ડમાં દરેક માસમાં દર ૧પ દિવસે ઉઘરાવવામાં આવતા સેસની રોકડ રકમનો મસમોટો ૯૭ ટકા જેટલો હિસ્સો પાછળના બારણે વહીવટદાર દ્ધારા સગેવગે કરી દેવામાં આવે છે, જેના જીવતા પુરાવા કેમેરા રેકોર્ડિંગમાં છે.

આ રીતે આચર્યું માર્કેટયાર્ડમાં મહાકૌભાંડ

સેસ વિભાગના કર્મચારી સૌમિલ પટેલના જણાવ્યા મુજબ દરરોજ આવતી જીરૂ, વરિયાળી, ઈસબગુલ તેમજ અન્ય જણસીની જે આવક આવતી તેમાંથી ઓન-રેકોર્ડ ૬૦ ટકા વેપારનું જ નિર્દેશન થતું બાકી ૪૦ ટકા વેપારની કટકી કરી જે રોકડ સેસની રકમ યાર્ડની ઓફિસમાં જમા આવતી તે ૧પ દિવસના હિસાબને અંતે બારોબાર ચેરમેન દિનેશભાઈ પટેલનો અંગત એકાઉન્ટન્ટ કનૈયાલાલ પટેલ, ભત્રીજો કમલેશભાઈ પટેલ અને તેમનો અન્ય ધંધાકીય કર્મચારી ફૂલકેશ પટેલ આવીને ઓફિસના પાછળના બારણે તેમજ માર્કેટ સેસ વિભાગમાં આવીને પણ રોકડ રકમ લઈ જતા હતાં.

૩ ટકા જેટલી જ રોકડ સંસ્થાના ચોપડે લેવાતી

કૌભાંડ બહાર લાવનાર કર્મચારીના જણાવ્યા મુજબ પ્રતિ પંદર દિવસે દરેક વેપારીએ સેસ ભરવાની થાય તે માટે પ દિવસનો સમયગાળો આપવામાં આવતો. પરંતું સેસ વિભાગ ઓફિસમાં જેટલી રોકડ રકમ સેસ પેટે જમા આવતી તેમાંથી માત્ર ૩ ટકા સુધીની જ રકમની પાવતી બનાવી તેને એપીએમસીમાં દર્શાવવામાં આવતી અન્ય ૯૭ ટકા રોકડ રકમ ચેરમેનના અંગત માણસો દ્વારા નિયમિત રીતે બારોબાર સગેવગે કરી દેવાતી.

એપીએમસીના જ ડિરેક્ટરોની હાજરીમાં સેક્રેટરીએ કર્મચારીનો ખુલાસો ન સ્વીકાર્યો..!

એપીએમસીમાં ડિરેક્ટર તરીકે ચૂંટાયેલા સંજયભાઈ મફતલાલ પટેલ તથા મીનાબેન જીતુભાઈ પટેલને ધ્યાને સમગ્ર કૌભાંડ આવતાં તેઓએ કર્મચારી સૌમિલ પટેલને અંગત કેમેરા ગોઠવવા બાબતે પૂછી હકીકત જાણી જે સત્ય છે તે જ ખુલાસો સેક્રેટરી સમક્ષ કરવા કહ્યા બાદ જ્યારે કર્મચારી ડિરેક્ટરોની હાજરીમાં જ ખુલાસો કરવા ગયા તો સેક્રેટરી વિષ્ણુ પટેલે ખુલાસો સ્વીકારવાની જ ના પાડી દીધી હતી જેથી કર્મચારીએ ઈમેલ દ્વારા ખુલાસો કરવો પડયો હતો.

એપીએમસીના બે ડિરેક્ટરોએ સ્વીકાર્યું કે હા… કૌભાંડ તો થયું છે

આ મામલે ઊંઝા એપીએમસીના બે ડિરેક્ટરો સંજય પટેલ તથા મીનાબેન પટેલ (પૂર્વ નગરપાલિકા પ્રમુખ)ને કૌભાંડ બહાર લાવનાર કર્મચારી સૌમિલ પટેલે રૂબરૂ તમામ પુરાવાઓ, વીડિયો રેર્કોિંડગ બતાવી સમગ્ર મામલો જણાવતાં બંન્ને ડિરેક્ટરોએ સ્વીકાર્યું હતું કે પુરાવા જોતાં સ્પષ્ટ ફલિત થાય છે કે ચેરમેન દિનેશ પટેલ તેના અંગત માણસો, સેક્રટરી વિષ્ણુ પટેલ દ્વારા સેસ વિભાગમાં કરોડોનું કૌભાંડ આચરવામાં તો આવ્યું છે જેથી આ બાબતે સરકારે હસ્તક્ષેપ કરી તપાસ કરાવી ગુનેગારો સજા કરવી જોઈએ તથા કર્મચારી સાચો હોય તો તેને ન્યાય મળવો જોઈએ.

કૌભાંડ બહાર લાવનાર કર્મચારી ઉપર પોલીસ કેસ કરવાના ધમપછાડા

કર્મચારી સૌમિલ પટેલે જણાવ્યું કે મારા લગાવેલા અંગત કેમેરા મામલે સત્તાધીશોને ખબર પડી જતાં તેઓએ કેમેરા લઈ લીધા હતા અને દબાણપૂર્વક નિવેદન લખાવ્યું કે મેં મારા સ્વખર્ચે કેમેરા લગાવ્યા જે સંસ્થાના હિતમાં નથી જેથી માર્કેટયાર્ડ જે શિક્ષા કરે તે સ્વીકારીશ અને આ જ નિવેદનને આધારે હવે ચેરમેન, સેક્રેટરી અને ધારાસભ્ય મારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાના પ્રયાસો તેજ કરી દીધા છે પરંતું મેં જે કોઈ નિવેદન આપ્યુ તે દબાણવશ થઈ અપાવવામાં આવ્યું હતું.

ગુપ્ત કેમેરાની મદદથી સમગ્ર કૌભાંડના પુરાવા એકત્ર કરવામાં આવ્યા

કર્મચારી સૌમિલ પટેલના જણાવ્યા મુજબ છેલ્લા સવા એક વર્ષથી આ કૌભાંડ ચાલતું હતું પરંતું આવનાર સમયે આ સત્તાધીશો મારા માથે તમામ કૌભાંડ નાખી દેશે તેવો ડર સતત સતાવતો હતો જેથી મેં અંગત હિડન કેમેરા સેસ વિભાગની મારી ઓફિસમાં ગોઠવી સમગ્ર કાર્યશૈલી રેકોર્ડ કરી જેથી આવનાર સમયમાં કૌભાંડનો આરોપ મારા ઉપર ન લાગે કારણ કે લાખો કરોડો રૂપિયા સત્તાવાળાઓ જ ઉઘરાવી ગયા છે જેમાં મારો કોઈ અંગત લાભ નથી જેથી મારે આ કૌભાંડના પુરાવા એકઠા કરવા પડયા.

ચેરમેને ચેમ્બરમાં બોલાવી ગોઠવણ સમજાવી હતી : કર્મચારી સૌમિલ પટેલ

કૌભાંડ સામે લાવનાર કર્મચારી સૌમિલ પટેલના જણાવ્યા મુજબ સવા વર્ષ અગાઉ જ મને ચેરમેન દિનેશ પટેલની ચેમ્બરમાં ધારાસભ્ય આશા પટેલ, સેક્રેટરી વિષ્ણુ પટેલની હાજરીમાં મને કહેવામાં આવ્યું કે હવેથી કનૈયાલાલ ઉર્ફ કનુભાઈ પટેલ જે અમારા પર્સનલ ધંધાકીય એકાઉન્ટન્ટ છે તે હવેથી તમારી બાજુમાં જ બેસશે જેથી જે રોકડ શેષ રકમ જમા આવે તેમાંથી બે ટકા જેટલી રોકડ રકમ જ સંસ્થાના ચોપડે દેખાડવી અન્ય બાકી રહેતી રકમ સાંજે કનુભાઈને સાંપી દેવી.

કર્મચારીએ આ બાબતની ફરિયાદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીથી લઇને તમામ અધિકારીઓને પણ લેખિતમાં કરી છે

ઊંઝા એપીએમસી ખાતે ફેબ્રુઆરી ૧પ તારીખથી મે માસના અંત સુધી જીરૂના વેપારની સિઝન રહેતી હોઇ અને રોજિંદી આવક પ૦ હજાર બોરીથી વધુ હોઇ અને જેમાં ૬૦% સેસનીરકમ ઊંઝા એપીએમસી દ્વારા ચેકથી વસૂલાતી હોઇ ૪૦% રકમ રોકડ ભરવાના કારણે રોજિંદી ર૦ હજાર બોરી પ્રમાણે એક બોરી પર રૂ.૫૦ સેસ લેવાતી હોવાના પગલે રોજની આવક ૧૦ લાખ જે સિઝનના ચાર માસમાં આઠથી દશ કરોડ રૂપિયા થતી હોઇ જેમાંથી માત્ર ૩ % રકમ એપીએમસીમાં જમા થતી હતી.