વોશિગ્ટન, રફાહમાં માર્યા ગયેલા કર્નલ વૈભવ અનિલ કાલેના મૃતદેહને ભારત પરત લાવવામાં ઇઝરાયેલ અને પશ્ર્ચિમ કાંઠેના ભારતીય મિશન મદદ કરશે. આ જાણકારી વિદેશ મંત્રાલયે આપી છે. ગાઝાના રફાહમાં યુએન સિક્યુરિટી કોઓડનેશન ઓફિસર તરીકે કામ કરતા કાલે સોમવારે તેમના વાહન પર ઈઝરાયેલી હુમલામાં માર્યા ગયા હતા. સંયુક્ત રાષ્ટ્રે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.
વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર , તેલ અવીવ અને રામલ્લાહમાં કાર્યરત ભારતના મિશન કર્નલ કાલેના મૃતદેહને ભારત પરત લાવવામાં મદદ કરશે. તેમજ ઘટનાની તપાસ માટે સક્રિય પ્રયાસો કરવામાં આવશે. આ અંગે મિશનમાં નિમાયેલા અધિકારીઓ સક્રિય બન્યા છે. નિવેદનમાં કર્નલ કાલેના અકાળ અવસાન પર શોક વ્યક્ત કરવામાં આવ્યો છે અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે. મુંબઈ નજીક થાણેમાં રહેતા કર્નલ કાલેનો પરિવાર આ અકસ્માતથી આઘાતમાં છે. નિવાસસ્થાને શાંતિનો માહોલ છે.
સ્વર્ગસ્થ કાલેના સંબંધી મુગ્ધા અશોક કાળેએ જણાવ્યું હતું કે, રફાહની ઘટના અમારા માટે મોટો આઘાત છે. અમે વૈભવના મૃત્યુના સમાચાર પર વિશ્ર્વાસ કરતા નથી. અમારી પાસે સમગ્ર ઘટનાની માહિતી પણ નથી. વૈભવ હજુ પણ આપણા માટે જીવંત છે. દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રએ તેના વાહન પર થયેલા હુમલાની તપાસ શરૂ કરી છે. આ વાહનમાં મુસાફરી કરી રહેલા કર્નલ કાલેનું મૃત્યુ થયું હતું અને જોર્ડન મૂળના તેમના સાથીદારને ઈજા થઈ હતી. ગાઝામાં યુએનના વિદેશી કાર્યકરનું આ પ્રથમ મૃત્યુ હતું.
કર્નલ કાલેના નિધન પર સંયુક્ત રાષ્ટ્રએ શોક વ્યક્ત કર્યો છે અને ભારતે ભૂતપૂર્વ સૈન્ય અધિકારીના મૃત્યુ પર દુખ વ્યક્ત કર્યું છે. નોંધનીય છે કે કાલેએ ૨૦૨૨માં આર્મીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી અને ત્રણ અઠવાડિયા પહેલા જ સંયુક્ત રાષ્ટ્રની સેવામાં જોડાયા હતા.