
ગાંધીનગર, ગુજરાતના દર વર્ષ નવરાત્રિના સમયે ૯ દિવસના ગરબાનું આયોજન થાય છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો એક સાથે માં અંબેની આરાધનાના પર્વને સેલિબ્રેટ કરે છે. ગુજરાતની સંસ્કૃતિ અને માં અંબાની આરાધનાથી જોડાયેલા ગરબા આયોજન રાજ્યની સંસ્કૃતિને અભિવ્યક્ત કરે છે. ગુજરાતના ગરબાને યુનેસ્કોએ વૈશ્વિક ઓળખ આપતા અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરાઈ હતી.
ગુજરાતના ગરબા હવે દેશવિદેશમાં ખ્યાતિ પામી રહ્યાં છે. ત્યારે ગુજરાતના ગરબાએ વધુ એક સિદ્ધી મેળવી છે. યુનેસ્કોએ ૬ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ ગરબાને આ સન્માનની જાહેરાત કરવામાં આવી હતી. ૨૨ માર્ચ ૨૦૨૪ના રોજ આ સન્માન યુનેસ્કોના ડાયરેક્ટર જનરલે પેરિસમાં ગુજરાત સરકારના મંત્રી હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરિયાની આપ્યું છે. આમ, યુનેસ્કો દ્વારા ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને ’અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’ જાહેર કરતું પ્રમાણપત્ર ગુજરાતને અર્પણ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીએ ટ્વીટ કરતા જણાવ્યું કે, યુનેસ્કો દ્વારા ૬ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ ગરબાને આ સન્માનની જાહેરાત કરવામાં આવી હતી. ૨૨ માર્ચ ૨૦૨૪ ના રોજ યુનેસ્કોના ડાયરેક્ટર જનરલ શ્રીમતી ઓડ્રે અઝોલે એ આ પ્રમાણપત્ર પેરિસ ખાતે ગુજરાત વતી મંત્રી હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરિયાને વિધિવત અર્પણ કર્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતના ગરબાના સમાવેશ સાથે હવે દેશના ઉત્સવો, મેળાઓ, પરંપરાઓ, પ્રાદેશિક નૃત્યો મળીને કુલ ૧૫ સાંસ્કૃતિક વિરાસત યુનેસ્કોની ’અમૂર્ત ધરોહર’ ની યાદીમાં સમાવિષ્ટ થઈ ચૂકી છે. આદ્યશક્તિના પ્રખર ઉપાસક અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ રાજ્યની સાંસ્કૃતિક વિરાસતોને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. તેમના માર્ગદર્શનમાં નવીન ઉપક્રમ તરીકે રાજ્યમાં શરૂ કરાયેલ વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ દ્વારા ગરબાને વિશ્વભરમાં વ્યાપક પ્રસિદ્ધિ મળી છે અને નવરાત્રિ ઉત્સવ વિશ્વમાં સૌથી લાંબો ચાલનારો લોકોત્સવ તરીકે ખ્યાતિ પામ્યો છે. ગરબાને વૈશ્વિક સ્તરે યુનેસ્કો દ્વારા સન્માન મળ્યું એ વડાપ્રધાનના વિકાસ ભી, વિરાસત ભી ના યેયને સાકાર કરતી ગૌરવરૂપ ઘટના છે.