મુંબઇ,
જ્યારથી કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મુખ્યમંત્રી એકનાથ શિંદેને શિવસેનાનું નામ અને ચિન્હ ધનુષ આપવામાં આવ્યું છે, ત્યારથી શિવસેનામાં જોડાવા ઈચ્છુક લોકોની ક્તાર લાંબી થઈ ગઈ છે. અંડરવર્લ્ડ ડોન અરુણ ગવલીનો ભાઈ, જેને ડેડીના નામથી બોલાવવામાં આવે છે અને તેની પત્ની, જે ભૂતપૂર્વ કોર્પોરેટર હતી, એ પણ આ યાદીમાં સામેલ છે. પ્રદીપ ગવલી અને વંદના ગવલી મુખ્યપ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં શિવસેનામાં જોડાયા છે. એટલુ જ નહીં તેમની સાથે તેમના સેંકડો કાર્યકરો પણ શિવસેનામાં જોડાયા. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ટ્વિટ કરીને મુંબઈના ભાયખલા વિસ્તારના પૂર્વ કોર્પોરેટર વંદના ગવલી અને પ્રદીપ ગવલી અને તેમના કાર્યકરોની શિવસેનામાં જોડાવાની માહિતી આપી છે.
અંડરવર્લ્ડ ડોનનો ભાઈ પ્રદીપ ગવલી અને તેમની પત્ની વંદના ગવલી તેમના સમર્થકો સાથે શિવસેનામાં જોડાતા સીએમ એકનાથ શિંદેએ કહ્યું,’સામાન્ય લોકો જે તમારા વિસ્તારમાં કામ જોવા માંગે છે,તેમની સમસ્યાઓથી મુક્તિ મેળવવા માંગે છે જે તમારા નેતૃત્વમાં પૂર્ણ થાય તેવો વિશ્ર્વાસ મૂકી રહ્યા છીએ.
છેલ્લા છ-સાત મહિનામાં અમે બાળાસાહેબના વિચારો પર આધારિત સરકાર બનાવી છે. આ પછી રાજ્યના જિલ્લા-જિલ્લા, તાલુકા-તહેસીલ, શહેર-શહેર અને ગામડાઓમાં લોકો,કાર્યકરો,પક્ષના અધિકારીઓ,નેતાઓ શિવસેનામાં જોડાઈ રહ્યા છે. આટલું જ નહીં, કાર્યર્ક્તાઓ, પાર્ટીના કાર્યર્ક્તાઓ અને દેશભરના પ્રદેશ પ્રમુખો પણ રાજ્ય બહારથી શિવસેનામાં જોડાઈ રહ્યા છે.
એક સમય હતો જ્યારે ડોન અરુણ ગવલી શિવસેનામાં જોડાવા માંગતા હતા, ત્યારે તેમણે બાળાસાહેબ ઠાકરેને વાત કરી ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ બાળાસાહેબ ઠાકરેએ તેમને શિવસેનામાં સામેલ કરવાની ના પાડી દીધી હતી. મુંબઈ બોમ્બ વિસ્ફોટો પછી મુંબઈ અંડરવર્લ્ડમાં પણ હિંદુ-મુસ્લિમ ભાગલા પડ્યા હતા અને છોટા રાજને દાઉદ ઈબ્રાહિમ ગેંગથી અલગ થઈને પોતાની ગેંગ બનાવી હતી.