અંડર ૧૯ ક્રિકેટમાં ૭ વિકેટ ઝડપી મેન ઓફ ધ મેચ બન્યો કચ્છનો ખેલાડી

ભુજ, યુએઈમાં રમાઈ રહેલા એશિયા કપ અંડર ૧૯ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમાયેલી ભારત નેપાળ વચ્ચેની મેચમાં મૂળ કચ્છના સરહદી લખપત તાલુકાના વતની રાજ લીંબાણીએ માત્ર ૧૩ રન આપીને ૭ વિકેટ ઝડપી હતી. રાજ પટેલના સર્વ શ્રેષ્ઠ દેખાવથી નેપાળની ટિમ ૨૨.૫ ઓવરમાં ૫૨ રન બનાવી ઓલઆઉટ થઈ હતી.રાજના ઉમદા દેખાવ બદલ તે મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો. જે બદલ તેણે જય શ્રી રામ બોલીને આભાર વ્યક્ત કરવા સાથે પોતાના દેશનું ગૌરવ વધાર્યું હતું.

જિલ્લાની છેવાડે આવેલા પશ્ચિમી સરહદી વિસ્તાર લખપત તાલુકાના દયાપર ગામનો વતની ૧૮ વર્ષીય રાજ લીંબાની ક્રિકેટ રમવા માટે વડોદરા ખાતે તેમના મોટા બાપા મણિલાલ લીંબાણી સાથે રહે છે. યુએઈ ખાતે આયોજિત અંડર ૧૯ એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ગુજરાતમાંથી ત્રણ યુવા ખેલાડી પસંદ પામ્યા છે, જે પૈકી વડોદરા ક્રિકેટ બોર્ડ તરફથી રાજની આ માટે પસંદગી થઈ છે. જેમાં તેણે પ્રથમ મેચમાં ત્રણ વિકેટ અને ત્રીજી મેચમાં ૭ વિકેટ ઝડપી શ્રેષ્ટ દેખાવ કર્યો છે.

આ બદલ મેન ઓફ ધ મેચ જાહેર થયેલા રાજે તેના દેખાવ અંગેની પ્રતિક્રિયા આપતી વેળાએ જય શ્રી રામ બોલીને પોતાના સનાતની સંસ્કારોનો પરિચય આપ્યો હતો. તેમના દેખાવથી કચ્છ અને દેશના ક્રિકેટ ચાહકોએ ખુશી અનુભવી હતી.