અમદાવાદ, નવા શૈક્ષણિક સત્રની આજથી શરૂઆત થઈ ગઈ છે. નાના-મોટા સૌ વિદ્યાર્થીઓ આજે શાળામાં જતા દેખાયા હતા. ખાસ કરીને પ્રાથમિક ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ આજે સ્કૂલબેગ સાથે હસતા ચહેરે શાળામાં જતા દેખાયા હતા. વેકેશન પૂર્ણ થઈ ગયા બાદ આજે શાળાનો પહેલો દિવસ હતો છતાં પણ વિદ્યાર્થીઓમાં કેટલેક અંશે ઉત્સાહ દેખાયો હતો. શાળાના શિક્ષકો દ્વારા બાળકોને પ્રવેશ આપવા માટે ગેટ ઉપર જ રહીને સહુ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.
શાળામાં પ્રવેશતી વખતે બાળકોમાં ઉત્સાહત હતો, પરંતુ જ્યારે શિક્ષકોએ પૂછ્યું કે, આજે ભણવું છે? તો બાળકોએ ખૂબ જ સરળતાથી જવાબ આપ્યો કે, ના હજી અમારે રમવું છે. તમામ બાળકો એક સાથે બોલવા લાગ્યા હતા કે, ગાર્ડનમાં જવું છે અને હજી અમારે રમવું છે. સાંભળતાની સાથે જ શિક્ષકના ચહેરા ઉપર પણ સ્મિત સાથે આશ્ર્ચર્ય દેખાયું હતું. શાળાના પહેલા દિવસે પણ હજી બાળકો વેકેશનના મૂડમાં જ દેખાયા હતા.