વોશિગ્ટન, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે ફરી એકવાર ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વિવાદ પર ભારતનું વલણ સ્પષ્ટ કર્યું અને કહ્યું કે માત્ર બે રાષ્ટ્ર સિદ્ધાંત જ બંને દેશો વચ્ચેના વિવાદનો ઉકેલ લાવી શકે છે. રૂચિરા કંબોજે કહ્યું કે ભારત દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંતને સમર્થન આપવા પ્રતિબદ્ધ છે. તો જ પેલેસ્ટાઈનના લોકો સુરક્ષિત સરહદો સાથે મુક્તપણે જીવી શકશે. આ ઉપરાંત ઈઝરાયેલની સુરક્ષાની ચિંતાઓ પણ દૂર કરવામાં આવશે.
ભારતે સંયુક્ત રાષ્ટ્રના સભ્યપદની પેલેસ્ટાઈનની માંગને સમર્થન આપ્યું છે. તમને જણાવી દઈએ કે ગયા મહિને અમેરિકાએ પેલેસ્ટાઈનની આ માંગનો વિરોધ કર્યો હતો. રુચિરા કંબોજે કહ્યું, ’અમે આશા રાખીએ છીએ કે સંયુક્ત રાષ્ટ્રમાં પેલેસ્ટાઈનના સભ્યપદ પર યોગ્ય સમયે પુનવચાર કરવામાં આવશે અને પેલેસ્ટાઈનના સંયુક્ત રાષ્ટ્રના સભ્ય બનવાના પ્રયાસને સમર્થન આપવામાં આવશે.’ નોંધનીય છે કે વર્ષ ૧૯૭૪માં ભારત પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશનને પેલેસ્ટિનિયન લોકોના એકમાત્ર અને કાયદેસરના પ્રતિનિધિ તરીકે માન્યતા આપનાર પ્રથમ બિન-આરબ દેશ હતો.૧૯૮૮માં ભારતે પેલેસ્ટાઈનને અલગ દેશ તરીકે માન્યતા આપી હતી. બુધવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકને સંબોધતા રુચિરા કંબોજે કહ્યું હતું કે ’ભારતના નેતૃત્વએ વારંવાર ભાર મૂક્યો છે કે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે સીધી અને અર્થપૂર્ણ વાતચીત થવી જોઈએ અને બંને દેશોમાં બે રાષ્ટ્રોના સિદ્ધાંતથી જ શાંતિ આવી શકે છે. આ દિશામાં ભારતે બંને દેશોને સીધી શાંતિ મંત્રણા ફરી શરૂ કરવાની અપીલ કરી હતી.
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર ભારતે કહ્યું કે આ સંઘર્ષને કારણે મોટા પાયે નાગરિકો, ખાસ કરીને મહિલાઓ અને બાળકોના જાનનું નુક્સાન થયું છે અને ગંભીર માનવતાવાદી સંકટ સર્જાયું છે, જે બિલકુલ અસ્વીકાર્ય છે. કંબોજે ઈઝરાયેલ પર ૭ ઓક્ટોબરના હુમલાની પણ સખત નિંદા કરી હતી અને કહ્યું હતું કે આતંકવાદી હુમલો આઘાતજનક હતો અને તેની સખત નિંદા થવી જોઈએ. ભારતનું વલણ તેના તમામ સ્વરૂપોમાં આતંકવાદ સામે સમાધાનકારી રહ્યું છે. ભારત તમામ બંધકોને તાત્કાલિક અને બિનશરતી મુક્ત કરવાની માંગ કરે છે. કંબોજે કહ્યું હતું કે ગાઝામાં પરિસ્થિતિ વણસે નહીં તે માટે માનવતાવાદી સહાય તાત્કાલિક પહોંચાડવી જોઈએ.