- મેં ભારતના વિરોધમાં કશું જ કહ્યું નથી. અમે ભારતનું સન્માન કરીએ છીએ,ખોટુ સમજાવાયું.
નવીદિલ્હી,
ભારતના ભાગેડુ નિત્યાનંદની શિષ્યા વિજયપ્રિયાએ ૧ માર્ચે જીનિવામાં આયોજિત યુએનની બેઠકમાં કહ્યું હતું- નિત્યાનંદને તેમના જન્મસ્થળ પર હિન્દુવિરોધી લોકો પરેશાન કરી રહ્યા છે. હવે વિજયપ્રિયાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરી રહી હોય એવું જોવા મળે છે.
તેમણે કહ્યું- હું સ્પષ્ટતા કરવા ઇચ્છું છું કે મેં ભારતના વિરોધમાં કશું જ કહ્યું નથી. અમે ભારતનું સન્માન કરીએ છીએ. મારા નિવેદનને ખોટું સમજવામાં આવી રહ્યું છે. મીડિયાનાં થોડાં એન્ટી-હિન્દુ સેક્શન્સ મારા નિવેદનને જાણીજોઈને ખોટી રીતે જાહેર કરી રહ્યા છે.
વિજયપ્રિયાએ કહ્યું- અમે ઇચ્છીએ છીએ કે ભારત સરકાર આ એન્ટી-હિન્દુ સેક્શન્સ વિરુદ્ધ કાર્યવાહી કરે. આ સેક્શન્સ કૈલાસા વિરુદ્ધ સતત હુમલા અને હિંસા ભટકાવી રહ્યા છે. હિન્દુવિરોધી લોકો ભારતની વસતિનો ખૂબ જ નાનો ભાગ છે. તેમની હરક્તો આખા ભારત પર સવાલ ઊભો કરી શકે નહીં. જરૂરી છે કે ભારત સરકાર હિન્દુવિરોધી લોકોની ગતિવિધિઓને ખતમ કરવા માટે પગલાં ઉઠાવે.
સ્વિટ્ઝર્લેન્ડના જીનિવામાં યુએન મિટિંગ દરમિયાન કૈલાસાની એક મહિલા ભક્ત (વિજયપ્રિયા)એ ઇકોનોમિક અને સોશિયલ રાઇટ્સ સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર ચર્ચામાં ભાગ લીધો. કૈલાસાની પ્રતિનિધિ નિત્યાનંદની જેમ જ પારંપરિક કપડાં અને ઘરેણાંમાં જોવા મળી હતી. નિત્યાનંદે ટ્વીટ કરીને એની જાણકારી આપી હતી.
નિત્યાનંદ ઉપર ભારતમાં શિષ્યો સાથે દુષ્કર્મ અને કિડનેપિંગના આરોપ લાગ્યા હતા. ૨૦૧૯માં ગુજરાત પોલીસે બાળકોનું અપહરણનો આરોપ લગાવ્યો. આ દરમિયાન નિત્યાનંદ દેશ છોડીને ભાગી ગયા. તેમણે સાઉથ અમેરિકાની પાસે ઇક્વાડોરમાં એક ટાપુ ખરીદ્યો. આને નવા દેશ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કૈલાસાનું નામ આપ્યું. આ ટાપુ કે દેશને કોઈ દેશે માન્યતા આપી નથી.
જીનિવા મિટિંગ પહેલાં પણ યુએન કૈલાસાના પ્રતિનિધિઓના થોડા રિપોર્ટ્સ પબ્લિશ કરી ચૂક્યું છે, જેમાં હિન્દુઓ સાથે જ કૈલાસાના ધર્મગુરુ નિત્યાનંદ પર થયેલા અત્યાચારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સિવાય UN કમિટીમાં કૈલાસાની વેબસાઇટ પર પણ આ રિપોર્ટ્સને બતાવવામાં આવ્યો છે. કૈલાસાએ UN ને મહિલાઓ અને અલ્પસંખ્યકોના અધિકારો પર પણ રિપોર્ટ્સ સોંપ્યો છે.
યુએનની ઓફિશિયલ વેબસાઇટ કૈલાસાને ૧૯૩ મેમ્બર સ્ટેટ્સમાં સામેલ કરતી નથી. જોકે એક ‘કહેવાતા’ દેશ (કે સંગઠન)ને પણ UN ના થોડા ખાસ સેશન્સમાં પ્રતિનિધિ મોકલવાનો અધિકાર છે. એના માટે UN મેમ્બર હોવું જરૂરી નથી. ફિલિસ્તીન અને બલૂચિસ્તાનના પ્રતિનિધિ પણ યુએન મિટિંગ્સનો ભાગ રહી ચૂક્યા છે. કૈલાસાને આજસુધી કોઈપણ દેશે અલગ કન્ટ્રી તરીકે માન્યતા આપી નથી.