
વોશિગ્ટન, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્યપદ માટેના ભારતના દાવાને હવે વિશ્ર્વના સૌથી ધનિક વ્યક્તિ અબજોપતિ એલન મસ્કનું સમર્થન મળી ગયું છે. ટેસ્લા અને સ્પેસએક્સ કંપનીના માલિક એલન મસ્કે કહ્યું કે ભારત વિશ્ર્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને તેને સંયુક્ત રાષ્ટ્રમાં કાયમી સભ્યપદ ન આપવું હાસ્યાસ્પદ છે. એલન મસ્કે આફ્રિકાને સંયુક્ત રાષ્ટ્રના સ્થાયી સભ્યપદ આપવાની માંગને લઈને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ દ્વારા કરવામાં આવેલા ટ્વિટના જવાબમાં પૂછવામાં આવેલા પ્રશ્ર્નના જવાબમાં આ મોટું નિવેદન આપ્યું છે.
એલન મસ્કે ટ્વિટર પર ટ્વિટ કર્યું, ’યુએન સંસ્થાઓની સમીક્ષા કરવાની જરૂર છે. સમસ્યા એ છે કે જે (દેશો) પાસે ઘણી શક્તિ છે તેઓ તેને છોડવા માંગતા નથી. તે હાસ્યાસ્પદ છે કે પૃથ્વી પર સૌથી વધુ વસ્તી હોવા છતાં ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ આપવામાં આવતું નથી. આફ્રિકાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પણ એક બેઠક આપવી જોઈએ.આ પહેલા સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ’આપણે કેવી રીતે સ્વીકારી શકીએ કે આફ્રિકા પાસે સુરક્ષા પરિષદમાં એક પણ કાયમી સભ્ય નથી?’
એન્ટોનિયો ગુટેરેસે કહ્યું, ’સંસ્થાઓએ આજની દુનિયાને પ્રતિબિંબિત કરવી જોઈએ, ૮૦ વર્ષ પહેલાની દુનિયાને નહીં. સપ્ટેમ્બરમાં યોજાનારી સમિટ વૈશ્વિક શાસન પર પુનવચાર કરવાની અને વિશ્વાસ પુન:સ્થાપિત કરવાની તક હશે. મસ્કનું આ સમર્થન એવા સમયે આવ્યું છે જ્યારે તાજેતરમાં જ ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદને લઈને મોટું નિવેદન આપ્યું હતું. જયશંકરે કહ્યું હતું કે, ’દુનિયા આસાનીથી કંઈ નથી આપતી, ક્યારેક લેવું પણ પડે છે.’
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના દાવા સામે ચીન સૌથી મોટો અવરોધ છે. ચીનને ડર છે કે જો ભારતને કાયમી સભ્યપદ મળશે તો એશિયામાં તેનો પ્રભાવ ઓછો થઈ જશે. આ જ કારણ છે કે ચીન ભારતને વિશ્વની આ સૌથી પ્રભાવશાળી સંસ્થાથી દૂર રાખવા માટે તમામ પ્રકારની ચાલ ચાલી રહ્યું છે. એટલું જ નહીં, ચીન પોતાના પ્યાદા પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યું છે. આ જ કારણ છે કે ઘણા વર્ષોની માંગ બાદ પણ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાની માંગ પૂરી થઈ રહી નથી. જ્યારે પાકિસ્તાન ભારતનો વિરોધ કરી રહ્યું છે તો જાપાન અને જર્મનીનો પણ વિરોધ થઈ રહ્યો છે.