ઉમરેઠ શાળાના નિવૃત્ત શિક્ષિકાના પતિએ પેન્શનના નામે 15.36 લાખની ઠગાઈ કરી

આણંદ, ઉમરેઠ પ્રાથમિક શાળાના નિવૃત્ત શિક્ષિકાના પતિ દ્વારા વર્ષ-2003થી 2022 સુધી લગ્નના ખોટા સર્ટીનો ખરા તરીકે ઉપયોગ કરીને કુટુંબ પેન્શન મેળવ્યુ હતુ. અને સરકાર સાથે રૂ.15.36 લાખની છેતરપિંડી કરી હતી. આ અંગે આણંદ ટાઉન પોલીસ મથકમાં શિક્ષિકાના પતિ સામે ફરિયાદ નોંધાવવા પામી છે.

ઉમરેઠ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નિરૂપાબેન ચુનીલાલ પટેલ તા.31 જુલાઈ 2000ના રોજ સ્વૈચ્છિક નિવૃત્ત થયા હતા. તેણીનુ તા.4 ફેબ્રુઆરી 2001ના રોજ અવસાન થતાં તેમના પતિ તરીકે રાજેન્દ્રકુમાર પરસોત્તમભાઈ પટેલ કુટુંબ પેન્શન મેળવતા હતા. તેઓ પોતે પણ શિક્ષક તરીકે નોકરી કરતા હતા. જેથી તેઓ પોતાનુ પેન્શન પણ મેળવે છે. ત્યારબાદ વર્ષ-2021માં રાજેન્દ્રકુમારએ અરજી કરી હતી કે,તેમના પત્નિના અવસાન બાદ તેમણે 3 જાન્યુઆરી 2020ના રોજ બીજા લગ્ન કરી પ્રથમ પત્નિનુ કુટુંબ પેન્શન મેળવતા નથી તેવુ પ્રમાણપત્ર આપવા માંગણી કરી હતી. તેમજ બીજા લગ્ન અંગે ચીફ ઓફિસર ઉમરેઠ નગરપાલિકાનુ લગ્ન રજીસ્ટ્રેશનનુ પ્રમાણપત્ર રજુ કર્યુ હતુ. આ અંગે લગ્ન નોંધણીના પ્રમાણપત્રની ખરાઈ કરતા તેમણે 2 માર્ચ 2003ના રોજ બીજા લગ્ન કર્યા હોવાનુ અને લગ્નની નોંધણી 3 જાન્યુઆરી 2003ના રોજ કરી હોવાનુ જણાઈ આવ્યુ હતુ. જેથી આ અંગે પુછપરછ કરતા તેમણે ઉમરેઠ પાલિકાના પ્રમાણપત્રમાં ભુલ થઈ હોવાનુ જણાવીને વિઘાનગર પાલિકાનુ તા.17 ફેબ્રુઆરી 2022ના રોજનુ લગ્નનુ પ્રમાણપત્ર રજુ કર્યુ હતુ. આ ઉપરાંત આણંદ તિજોરી કચેરી અને પાલિકાએ પત્ર વ્યવહાર કર્યો હતો. અને જેમાં બીજા લગ્ન 2 માર્ચ 2003ના રોજ થયા હોવાની ખરાઈ થઈ હતી. જેથી તેણે તે દરમિયાન પેન્શન મેળવ્યુ હતુ. 2003થી 2020 સુધી તેની પત્નિના નામનુ 15.26 લાખનુ પેન્શન મેળવી સરકાર સાથે વિશ્ર્વાસધાત કર્યો હતો. અને પેન્શનની વસુલાત કરવા પણ તાકિદ કરી હતી. અને પેન્શનનુ બેંક ખાતુ પણ સીઝ કરી કરી દીધુ હતુ. આ ઉપરાંત 4.71 લાખની પેન્શનની રકમની આરોપી રાજેન્દ્રકુમાર પટેલ પાસેથી વસુલાત કરાઈ છે. આણંદ જિલ્લા તિજોરી કચેરી ખાતે અધિક તિજોરી અધિકારી તરીકે ફરજ બજાવતા શૈલેષકુમાર બાલુભાઈ ડામોરે ફરિયાદ નોંધાવી છે.