આણંદ, ઉમરેઠ તાલુકાના વણસોલ-પણસોરા રોડ ઉપર ઉભેલ ટ્રેકટરની ટ્રોલી પાછળ એક મોટરસાયકલ ધડાકાભેર ધુસી જતા બે યુવકોના મોત નીપજયાં હતા. આ બનાવ અંગે ભાલેજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.
વણસોલ ગામે રહેતો મનીશ કનુભાઈ રાજ નજીકમાં રહેતા મિત્ર દિપક ગણપતભાઈ સોલંકીની મોટરસાયકલ ઉપર સવાર થઈ બંને મિત્રો પણસોરા તરફ નીકળ્યા હતા દરમિયાન વણસોલથી પણસોરા તરફ જવાના માર્ગ ઉપર આવેલ પંચરાણા સીમમાંથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે માર્ગની સાઈડમાં ઉભેલ એક ટ્રેકટરની ટ્રોલી સાથે મોટરસાયકલ ધડાકાભેર અથડાયુ હતુ. આ અકસ્કમાતમાં બંને યુવકોને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા આસપાસના સ્થાનિકો ધટના સ્થળે દોડી આવી 108 મારફતે બંને ઈજાગ્રસ્તોને અલીન્દ્રાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા.