ઉમેદવારોની યાદી જાહેર થતા જ ભાવનગર ભાજપમાં ભડકો, મહુવામાં ૩૦૦થી વધુ ભાજપ સભ્યોનાં રાજીનામાં

ભાવનગર,
ભાજપે આજે ૧૬૦ ઉમેદવારોની યાદી જાહેર કરતા જ ભાવનગરની મહુવા બેઠક પર નારાજગી જોવા મળી હતી અને ૩૦૦થી વધુ ભાજપ સભ્યોએ રાજીનામા આપી દીધા હતા. મહુવા તાલુકા પંચાયતના તમામ સભ્યો જિલ્લા પંચાયતના તમામ સભ્યો અને મહુવા ભાજપ સંગઠનના તમામ સભ્યો સહિત ભાજપના કાર્યકરો અને આગેવાનો સહિત ૩૦૦ થી વધારે સભ્યોના સામુહિક રાજીનામાં ધર્યા હતા. શિવાભાઈ ગોહિલે મહુવામાં ટિકિટ પણ માંગી નહોતી અને મહુવા ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા તેમને સમર્થન પણ નથી .આમ છતાં આર.સી મકવાણા ની ટિકિટ કાપી શિવાભાઈ ગોહિલને ટિકિટ આપતા મહુવા ભાજપમાં ભારે હોબાળો થયો છે

ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને પ્રથમ તબક્કાના ઉમેદવારોની ચાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીના ઉમેદવારોના નામ જોતા જ સમજાઈ ગયું છે કે ભાજપ આ ચૂંટણીમાં જૂના ઉમેદવારને જ રીપીટ કરશે તો કેટલાક સ્થાન પર નવા અને ટૂંકાગાળમાં લોકપ્રિય બનેલા ચહેરાને સ્થાન આપી દેવામાં આવ્યું છે. આ ઉમેદવારો એવા છે જે જાતિગત સમીકરણોના આધારે ભાજપને બેઠકો જીતાડવામાં મદદ કરી શકે છે. ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા આ નામ પસંદ કરવામાં આવ્યા હતા. ૧૮૨ માંથી ૧૬૦ બેઠકની યાદી જાહેર કરી છે જેમાં ૧૪ મહિલાઓ તેમજ ૧૩ એસસી ૨૪એસટી ઉમેદવારોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તો ૩૮ બેઠકો પર પરિવર્તન કરવામાં આવ્યું છે જેમાં ૪ ડોકટર ઉમેદવાર છે અને ૪ પીએચડી ઉમેદવાર છે. જોકે આ નામ સામે આવવાની સાથે જ કેટલીક જગ્યાએથી વિરોધના સૂર ઉઠ્યા હતા.