- ઉમેદવારે જાહેરાત ટેલીકાસ્ટના સૂચિત આરંભની તારીખથી મોડામાં મોડા ત્રણ દિવસ અગાઉ અરજી કરવાની રહેશે.
- ઉમેદવારો અને રાજકીય પક્ષો દ્વારા વર્તમાનપત્રોમાં અપાતા પેઇડ ન્યૂઝને ખેડા જીલ્લા MCMC સમિતિ મોનિટર કરશે.
નડિયાદ,લોકસભા સામાન્ય ચૂંટણી-202 દરમિયાન ચૂંટણી લડતાં ચૂંટણી દરમ્યાન રાજકીય પક્ષો/ઉમેદવારો/સંસ્થાઓ તરફથી કે તેઓના ટેકેદારો તરફથી ઈલેક્ટ્રોનિક માધ્યમથી, સ્થાનિક કેબલ કંટ્રોલ રૂમથી કે ટીવી ચેનલના માધ્યમથી કે રેડીયો નેટવર્કથી કે સિનેમાગૃહો દ્વારા પ્રચાર તથા જાહેરાતો કરવામાં આવે છે. જેના અનુસંધાને અધિક નિવાસી કલેક્ટર ભરત જોશી દ્વારા તા. 18-03-2024ના રોજ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર હાલમાં નેટવર્કના નિયંત્રણ માટે કેબલ ટેલીવિઝન(વિનિયમન) અધિનિયમ, 1995 તથા કેબલ ટેલીવિઝન નેટવર્ક (વિનિયમન) નિયમો, 1994 અમલમાં છે. જે મુજબ નિયત કરેલ આચાર સંહિતાને અનુરૂપ હોય તે સિવાય કોઈ પણ વ્યકિત કોઈ જાહેરાત પ્રસારીત કે પુન:પ્રસારીત કરી શકે નહી. ઉપરાંત જાહેરાતો કોઈ ધાર્મિક કે રાજકીય હેતુ પ્રત્યે દિશા નિર્દેશ કરતી હોવી જોઈએ નહી તેવી જોગવાઈ છે.
રાજયમાં ચૂંટણી નિષ્પક્ષ, તટસ્થ, શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તથા કોઈ પણ પક્ષ કે સંસ્થા કે ઉમેદવારોની તરફેણ કે વિરૂધ્ધમાં કે ચૂંટણી પંચે જાહેર કરેલ આદર્શ આચાર સંહિતાની જોગવાઈઓ વિરૂધ્ધ કોઈ પણ ચૂંટણી વિષયક જાહેરાત ઈલેકટ્રોનીક માધ્યમથી કરવામાં ન આવે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા આદેશાત્મક જોગવાઈઓ કરવામાં આવી છે.
મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત રાજયના આદેશ અનુસાર જીલ્લા કક્ષાએ રાજકીય જાહેરાતો તથા પેઈડ ન્યુઝના પૂર્વ પ્રમાણિકરણ, નિયંત્રણ અને દેખરેખ માટે જીલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મીડીયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીગ કમિટીની (MCMC) રચના કરવામાં આવેલ છે. ચૂંટણી પંચની સૂચનાઓનું ચૂસ્ત અમલીકરણ સૂનિશ્ર્વિત કરવા અને ચૂંટણીના સરળ સંચાલન માટે અધિક નિવાસી કલેક્ટર દ્વારા જાહેરનામા અંતર્ગત ફોજદારી કાર્યરીતિ અધિનિયમ,1973ની કલમ-144 થી મળેલ સત્તાની રૂએ વિવિધ હુકમો ફરમાવવામાં આવ્યા છે.
જે અંતર્ગત ટેલીવિઝન ચેનલ અને કેબલ નેટવર્ક ઉપર જાહેરાત આપવા વિચારતા દરેક માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો તથા નોંધાયેલા રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારે આવી જાહેરાત ટેલીકાસ્ટના સૂચિત આરંભની તારીખથી મોડામાં મોડા ત્રણ દિવસ અગાઉ અરજી કરવાની રહે છે. બીજી કોઈ વ્યક્તિ અથવા બિન નોંધાયેલા રાજકીય પક્ષો, સંસ્થા વિગેરેએ આવી જાહેરાત ટેલીકાસ્ટના સૂચિત આરંભની તારીખથી મોડામાં મોડા 7 (સાત) દિવસ અગાઉ અરજી કરવાની રહેશે.
MCMC સમિતિનું પ્રમાણીકરણ મેળવવા માટે અરજી કરવા માટે ઈલેકટ્રોનિક ફોર્મમાં સૂચિત જાહેરાતની બે નકલ તેમજ તેની યોગ્ય રીતે પ્રમાણિત કરેલ બે નકલ અરજી સાથે જોડવાની રહેશે. આવી જાહેરાત, જિંગલ્સ, ઇન્સર્શન્સ, બાઈટસ વિગેરેનું સર્ટીફીકેશન મેળવવા માટેની અરજી જીલ્લા કક્ષાની કમિટીના સભ્ય સચિવ અને નાયબ માહિતી નિયામક નડીયાદ, જીલ્લા માહિતી કચેરી, સીટી જીમ ખાના મેદાન સામે, કપડવંજ રોડ, નડીયાદને નિયત કરેલ એનેક્ષર-અ માં સંપૂર્ણ વિગતો દર્શાવીને કરવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે, ટેલીકાસ્ટ માટે જાહેરાત, જિંગ્લસ, ઈન્સર્શન્સ, બાઈટસનું પ્રમાણપત્ર મેળવ્યા સિવાય જાહેરાત, જિંગલ્સ, ઈન્સર્શન્સ, બાઈટસનું પ્રસારણ થઈ શકશે નહી. ઉપરાંત ઉમેદવારો અને રાજકીય પક્ષો દ્વારા વર્તમાનપત્રોમાં અપાતા પેઇડ ન્યૂઝ પણ ખેડા જીલ્લા MCMC સમિતિ દ્વારા મોનિટર કરવામાં આવશે.
આ ઉપરાંત ચૂંટણીની કામગીરી માટે નિયુકત મદદનીશ ચૂંટણી અધિકારીઓને જાહેરાતોના પ્રસારણ પર દેખરેખ રાખવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. વધુમાં કેબલ ટેલીવિઝન (વિનિયમન) અધિનિયમ, 1995 તથા તે હેઠળના નિયમો પરત્વે તપાસણી અને સીઝર સહિતની કામગીરી કરવા સત્તા આપવામાં આવી છે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર કેબલ ટેલીવીઝન (વિનિયમન) અધિનિયમ, 1995 ની જોગવાઈઓ મુજબ તથા ભારતીય દંડ સંહિતા, 1860ની કલમ-188 હેઠળ શિક્ષાપાત્ર થશે તેમ અધિક નિવાસી કલેક્ટર દ્વારા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.